November 24, 2024

અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પોલીસની કાર્યવાહી, તેલંગાણાના CM રેવંત રેડ્ડીને દિલ્હી બોલાવ્યા

Amit Shah Fake Video Row: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરવા બદલ દિલ્હી પોલીસે FIR નોંધી છે. હવે દિલ્હી પોલીસે આ મામલે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને નોટિસ પાઠવી છે. સોમવારે (29 એપ્રિલ), પોલીસે અમિત શાહના નકલી વીડિયોને સર્ક્યુલેટ કરવાના કેસમાં રેડ્ડીને નોટિસ જારી કરી હતી અને તેમને 1 મેના રોજ પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને તેમનો ફોન પણ લાવવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ્ડીના ફોનની પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, રેવંત રેડ્ડીએ પોતાના એક્સ એકાઉન્ટમાંથી અમિત શાહનો ફેક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો તેલંગાણા કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ શેર કર્યો છે.

અમિત શાહે એડિટેડ વીડિયોમાં શું કહ્યું?
આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે. બીજી બાજુ, પીટીઆઈના ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી.

અમિત માલવિયાએ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી
રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વીડિયોને ફેલાવવાના મામલે FIR નોંધી હતી. ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર આ મામલે FIR નોંધવામાં આવી છે. બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરનારા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી માટે આખા દેશે તૈયાર રહેવું જોઈએ.

કોની વિરૂદ્ધ FIR નોંધાઈ?
પોલીસે નોંધેલી FIRમાં અમિત શાહનો નકલી વીડિયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ FIR નોંધવામાં આવી છે.