November 22, 2024

દિલ્હીમાં હિટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું કમકમાટી ભર્યું મોત, 10 મીટર સુધી ઢસડ્યો

Delhi Hit and Run Case: દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં હિટ એન્ડ રનનો એક દર્દનાક મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેમાં સાદા કપડામાં કોન્સ્ટેબલ તેની બાઇક પર જઈ રહ્યો છે, ત્યારે પાછળથી આવી રહેલી એક કારે તેને અડફેટે લીધો હતો. આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી અને કોન્સ્ટેબલની ઓળખ સંદીપ તરીકે થઈ છે, જે નાંગલોઈ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો.

મળતી માહિતી મુજબ, આ નાગલોઈ વિસ્તારમાં અચાનક લૂંટના બનાવો વધતા જતાં કોન્સ્ટેબલ સંદીપ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હતા. તે પોતાની બાઇક પર હતા, ત્યારે તેની નજર એક વેગનઆર કાર પર પડી, જે બેદરકારીથી કાર ચલાવી રહ્યો હતો. તેણે ડ્રાઈવરને કાર ધીમી કરવા ઈશારો કર્યો, પરંતુ તેણે કાર રોકી ન હતી. ત્યારપછી કોન્સ્ટેબલ સંદીપ તેની બાઇક પર કારને ઓવરટેક કરી તેની આગળ પહોંચી ગયો.

અચાનક વેગનઆરના ચાલકે કારની સ્પીડ વધારી દીધી અને પાછળથી સંદીપની બાઇકને ટક્કર મારી અને કોન્સ્ટેબલને લગભગ 10 મીટર સુધી ઢસડ્યો. વેગનઆર પણ સામે પાર્ક કરેલી અન્ય કાર સાથે અથડાઈ હતી. સંદીપને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પહેલા સોનિયા હોસ્પિટલ અને ત્યાંથી પશ્ચિમ વિહારની બાલાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

મીડિયાને સંબોધતા ડીસીપી જીમી ચિરમે કહ્યું કે વેગનઆરમાં બે લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા. પોલીસે બંને આરોપીઓને પકડવા ટીમો બનાવી છે. બંનેની ઓળખ થઈ ગઈ છે અને કોન્સ્ટેબલ સંદીપની બાઇક જે કાર સાથે અથડાઈ હતી તે કાર મળી આવી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ રોડ રેજનો મામલો હોવાનું જણાય છે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.