પોરબંદરમાં સરકારી અનાજના ગોડાઉનમાં કરોડોની ઉચાપત, બે અધિકારીઓ સામે ફરિયાદ
પોરબંદરઃ જિલ્લાના દેગામમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની ઉચાપત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, અંદાજે 1.18 કરોડ રૂપિયાના અનાજની ઉચાપત કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. હાલ આ મામલે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા સામે ફરિયાદ નોંધાઈ છે. DSD કોન્ટ્રાક્ટર હાથિયા ખૂંટી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા અને કોન્ટ્રાક્ટર હાથિયા ખૂંટીએ સાથે મળીને માલની ઉચાપતનું કાવતરું ઘડ્યું હતું. ત્યારે માલના રજિસ્ટરમાં છેડછાડ કરી બંનેએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અનાજમાં ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને સિંગતેલનો મોટા પ્રમાણમાં જથ્થો સગેવગે કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી પણ 1 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. પુરવઠા અધિકારીએ બંને આરોપીઓ સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બંને આરોપીઓએ 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023 સુધીમાં 1.18 કરોડ રૂપિયાના માલની ઉચાપત કરી હોવાનું દર્શાવ્યું છે.