November 25, 2024

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હાડકાંના દર્દીઓ ઓપરેશન માટે રઝળ્યાં

porbandar government hospital Bone patients flocked for surgery

સિધ્ધાર્થ બુધ્ધદેવ, પોરબંદરઃ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડના દાખલ 6 દર્દીઓને અનેક દિવસોથી ઓપરેશનના વાંકે હાડકાંની અસહ્ય પીડા વેઠવી પડી રહી છે. દર્દીએ જણાવ્યા મુજબ, 12 દિવસે તેમનો વારો નથી આવ્યો. અમારી પરિસ્થિતિ સારી નથી એટલે અમે બીજી હોસ્પિટલમાં પણ જઈ નથી શકતા. એટલે વહેલીતકે અમારો વારો આવે તો અમે રજા લઈ શકીએ, તેવી ડોક્ટરને વિનંતી કરી છે. કહેવત છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે એવી સ્થિતિ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની જોવા મળે છે.

પોરબંદરના મેડિકલ કોલેજ હસ્તકની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક વિભાગોમાં મેડિકલ કોલેજના ડોકટરો ફરજ બજાવે છે. હોસ્પિટલમાં અલગ અલગ વૉર્ડમાં દાખલ દર્દીઓના 11 દિવસે પણ હાડકાંના ઓપરેશન ન થતા હાલ દર્દીઓ પીડા ભોગવી રહ્યા છે. હોસ્પિટલમાં મેલ અને ફિમેલ વૉર્ડમાં દાખલ 6 જેટલા દર્દીઓના અનેક દિવસોથી હાડકાંના ઓપરેશન થયા નથી. જેથી આ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ બાબતે તપાસ કરતા હાલ મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં ડોક્ટરોની અછતને લીધે સમયસર ઓપરેશન થતા નથી, તે બાબતે મેડિકલ કોલેજના ડિન દ્વારા ડીઆરપીને પત્ર લખી મહિલાને બે વખત રજૂઆત પણ કરી છે.

પોરબંદરમાં તાજેતરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે. આ મેડિકલ કોલેજ શરૂ થતાં જ હોસ્પિટલમાં આવેલા અલગ અલગ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂક થઈ છે. મેડિકલ કોલજ હસ્તકની ભાવસિંહજી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના ડોકટરો નિમણૂક થતાં જ ઓપીડી તેમજ વિવિધ વિભાગના વૉર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલમાં હાલ સર્જન, ઓર્થોપેડિક, બાળરોગ નિષ્ણાંત, એમ.ડી.સહિતના નિષ્ણાંત ડોકટરો ફરજ બજાવે છે અને હોસ્પિટલમાં આવેલા ઓપરેશન વિભાગમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દાખલ 6 જેટલા દર્દીઓનાં હાડકાનું ઓપરેશન દિવસોથી થયા નથી, જેથી હાલ આ દર્દીઓ વોર્ડમાં પીડા ભોગવી રહ્યા છે.

આ હોસ્પિટલના ડીન ડો. ગૌરાંગ ભંભાણીએ જણાવ્યુ હતુ કે, ‘ચૂંટણી હોવાથી આચારસંહિતાને લઈને ભરતી પ્રક્રિયા બંધ છે. સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તેમજ વિવિધ રાજ્યોમાં ખાલી થયેલી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરતાં જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ હતી. જેથી મેડિકલ કોલેજમાં ખાલી પડેલા ડોક્ટરોની જગ્યા પર ભરતી પ્રક્રિયા રોકાઈ ગઈ છે. 4 એનેસ્થેસિયા ડોક્ટરો સહિતના વિભાગોના ડોકટરોની ડિસ્ટ્રીકટ રેસિડેન્સી પ્રોગ્રામ હેઠળ ફાળવવા રજૂઆત કરી છે.’

દર્દી આ બાબતે જણાવે છે કે, ‘પાંચ ડોક્ટરની જગ્યા છેલ્લા ઘણાં સમયથી ખાલી છે. પાંચ ડોક્ટર હતા તેમને પોરબંદરના માધવપુરના મેળામાં મોકલવામાં આવ્યા છે. તેને લઈને લોકોમાં મુશ્કેલી વધી છે કે, ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.