November 22, 2024

પોરબંદરમાં લોકોનાં ઘર ડૂબ્યાં, 1500 લોકોનું સ્થળાંતર; 4નું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ

પોરબંદરઃ જિલ્લામાં ભારે વરસાદને લઈ પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરમાં ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીમાં પાણી ભરાયાં છે. તો સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા રહીશો પરેશાન થઈ ગયા છે. હનુમાન રોકડિયા મંદિર નજીક વરસાદમાં વૃક્ષ ધરાશાયી થયું છે. પાટગનમાં આવેલું વૃક્ષ ધરાશાયી થયું છે. આ ઉપરાંત જુબેલી અને નર્સ ટેકરીને જોડતો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, પોરબંદરમાં ખેતરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો કુતિયાણાના માંડવા ગામે 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્થળાંતરીત કરેલા વ્યક્તિને જમવાની અને રહેવાની વ્યવસ્થા પાલિકા અને તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તાર કડિયા પોલ, પ્લોટ વિસ્તાર, કુંભારવાડા, બોખીરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, કચ્છમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

પોરબંદર જામનગરને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર અંદાજે એકથી દોઢ ફૂટ જેટલા પાણીનો પ્રવાહ રોડ ઉપરથી બીજી તરફ જઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ રસ્તા પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.