પાલનપુરમાં ખાડારાજ: ઠેરઠેર પડેલા ખાડાઓ પ્રત્યે તંત્રના આંખ આડા કાન
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરનું તંત્ર સામાન્ય વરસાદમાં જ ખાડે ગયું છે. પાલનપુરમાં હજુ તો 4 ઇંચ વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ સમગ્ર પાલનપુરના જાહેર માર્ગો પર 1થી 2 ફૂટ જેટલાં મોટા ખાડા પડી ગયા છે. મહત્વની વાત તો એ છે કે, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા જે રસ્તેથી દિવસમાં 4-4 વાર પસાર થાય છે એ માર્ગ પર પણ ખાડારાજ સર્જયું છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
4 ઇંચ વરસાદમાં ઠેરઠેર ખાડા
ચોમાસાનો વરસાદ આવે અને રસ્તાઓ પર ખાડા પડી જાય આ એક સિસ્ટમ બની ગઈ છે. જો કે જિલ્લા મથક પાલનપુરમાં હજુ તો ચોમાસાનો પૂરો વરસાદ પણ થયો નથી અને ઠેરઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. પાલનપુરમાં માત્ર 4-5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અલગ અલગ વિસ્તારોમાં 2000 થીવધુ ખાડા પડી ગયા છે. જો કે શહેરમાં તો ઠીક પરંતુ પાલનપુરના ડેરી રોડ કે જ્યાં મોટા ભાગની શાળાઓ આવેલી છે એવા વિસ્તારોમાં માર્ગો પર ખાડા પડી જતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.
ખાડા રાજથી અધિકારીઓ પણ પરેશાન, છતાં…
મહત્વની વાત તો એ છે કે ડેરી રોડ પર માત્ર શાળાઓ જ નહિ પરંતુ જિલ્લા કલેકટર સહીત જિલ્લા પોલીસ વડાનો બંગલો પણ આવેલો છે જેથી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દિવસમાં 4-4 વખત આ માર્ગ પરથી એજ ખાડામાં પટકાતા પટકાતા પસાર થાય છે. તેમ છતાં, આ રસ્તાઓનું સમારકામ થયું નથી.
ત્યારે, જો જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા જે માર્ગો પરથી પસાર થાય છે તે માર્ગોનું પાલિકા સમારકામ ન કરી શકે તો શહેરના અન્ય માર્ગોનું તો વિચારવું જ દૂરની વાત રહી. જો કે, વહેલી તકે તંત્ર પાલનપુરને આ ખાદરાજ માંથી મુક્તિ આપાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે, જોવું રહ્યું કે પાલિકા હવે ખાડા પુરાવે છે કે પછી કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.