September 16, 2024

જળમગ્ન થયું સિમાસી ગામની પ્રાથમિક શાળાનું મેદાન, વિદ્યાર્થીઓને હાલાકી

ધર્મેશ જેઠવા, ઉના: ઉના તાલુકાના સીમાસી ગામની નવાપરા પ્રાથમિક શાળામાં બાળવાટિકાથી 8 ધોરણમાં 177 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. અહી શાળા તો છે પણ શાળાના મેદાનમાં ચોમાસામાં મેદાનમાં ભારે પાણી ભરાય છે. જે પાણીનો જલ્દી નીકાલ થતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આજના સમયમાં સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે. પરંતુ ઘણી જગ્યાએ શાળાઓનો સહેજ પણ વિકાસ ન થયો હોય તેવી લાગી રહ્યું છે.

ઊનાના સીમાસી ગામના નવાપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મેદાનમાં દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થતાં કાદવ-કીચડ, બિન જરૂરી ઘાસ, કાંટાળી વનસ્પતિ ઉગી નીકળે છે અને ઝેરી જીવ-જંતુઓ નીકળી આવતાં બાળકોને શાળાએ પહોંચવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. તેમજ શાળાના ગેટની પાસેના ભાગે PGVCL નું સબ સ્ટેશન પણ આવેલું છે આ સબ સ્ટેશનની બાજુમાં જ બાળકો માટેનું શૌચાલય આવેલું છે જેથી શોર્ટ સર્કિટ અને વીજ કરંટ લાગવાનો પણ ભય પણ લાગે છે.

અમુકવાર પગપાળા શાળાએ આવતાં અને સાયકલ લઈને આવતાં બાળકો કાદવ કીચડમાં ફસાઈને પડી જાય છે. ક્યારેક તેમને ઈજા પણ પહોંચે છે. બાળકોને કાંટાળી જંગલી વનસ્પતિના કાંટા પણ વાગે છે અને લોહી નીકળે છે. શાળાના મેદાનમાં પાણી ભરાઈ રહેવાના કારણે સરિસૃપ અને જીવ જંતુઓ પણ નીકળે છે. જેના કારણે શાળાએ જતા નાના બાળકોમાં ભયનો માહોલ પણ વ્યાપેલો રહે છે.

શાળામાં મધ્યાહન ભોજન તો મળે છે પણ મધ્યાહન ભોજન બનાવવા માટેનું રસોડું ખૂબ જર્જરીત હાલતમાં છે. આ રસોડામાં હાલ ઉપર પ્લાસ્ટિકનું કાગળ બાંધીને મધ્યાહન ભોજનની રસોઈ બનાવે છે. તાઉતે વાવાઝોડા બાદ આ રસોડું અને મધ્યાહન ભોજનનો સેડ પણ જર્જરીત બન્યો છે પણ હજુ નથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કે અન્ય કોઈ ઉકેલ નથી આવ્યો.

આ પણ વાંચો: રાજ્યમાં નિકોટીનયુક્ત ગુટકા તમાકુ પરનો પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવાયો

અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી છતાં આ શાળાના મેદાનમાં પાણી ભરવાની સમસ્યા દૂર નથી થઇ કે નથી મધ્યાહન ભોજન માટે રસોડું બન્યું કે નથી અહી વીજળી નું ટ્રાન્સફોર્મર દૂર કરવામાં આવ્યું. શું અહી કોઈ અઘટિત ઘટના બને કે કોઈ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોય રહ્યું છે આ તંત્ર?