ખાનગી નહીં સરકારી શાળા જ છે સારી
Prime 9 With Jigar: સરકારી સ્કૂલોમાં શિક્ષણના કથળતા જતા સ્તર અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે હમણાં એક સરસ સમાચાર વાંચવા મળ્યા. આ સમાચાર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા વિશે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને છે.
સરકારી શાળા છે સારી
- તમામ બેઠકો ફુલ થઈ ગઈ.
- 160 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં.
- ક્લાસમાં બેસવાની જગ્યા નહીં.
- સામાન્ય રીતે એક ક્લાસમાં હોય 55થી 60 વિદ્યાર્થી.
- સ્કૂલમાં દરેક ક્લાસમાં 120 વિદ્યાર્થીઓ.
સામાન્ય રીતે સરકારી સ્કૂલોમાં કોઈ ભણવાનું પસંદ ના કરે પણ એક સરકારી સ્કૂલમાં એડમિશન માટે વેઈટિંગ લિસ્ટ હોય એ સુખદ આશ્ચર્ય કહેવાય. રસપ્રદ વાત એ છે કે, આ માત્ર એક સ્કૂલની વાત નથી પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની તમામ સ્કૂલોમાં આ સ્થિતિ છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી 7 વર્ષ પહેલા શિક્ષણ સમિતિની પહેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરુ કરવામાં આવી હતી.
ડિમાન્ડમાં સરકારી શાળાઓ
- 2016-17માં છાણીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્કૂલમાં શરૂઆત.
- સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરુ કરવામાં આવ્યું.
- 2022 સુધીમાં તબક્કાવાર છાણી વિસ્તારની કેટલીક સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમનો પ્રારંભ.
- સ્કૂલોમાં ચાણક્ય, કવિ દુલા કાગ સ્કૂલ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ સામેલ.
- ચાર સ્કૂલમાં કુલ મળીને 3500 જેટલા વિદ્યાર્થીઓ.
- લગભગ 1700 જેટલું વેઈટિંગ લિસ્ટ.
અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓના ઝુકાવને જોતા નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની વધુ ચાર સ્કૂલો શરુ કરાઈ છે. તેથી વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા વધીને આઠ થઈ છે. આમ છતાં વેઈટિંગ લિસ્ટ ઘટ્યું નથી. વડોદરા જેવી જ સ્થિતિ સુરતમાં થઈ છે.
શું સરકારી શાળાઓમાં વેઇટિંગ હોય શકે ? જુઓ NewsCapital પર ખાસ શો #Prime9_WithJigar ખબરની ન કરો ફિકર Prime9 with Jigar (Part -1)#Prime9 #WithJigar #GovernmentSchool #DemandIncrease #Surat #Vadodara #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/dsscihqcgR
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) June 28, 2024
સુરતમાં શિક્ષણની સૂરત બદલાઈ
- મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક અંગ્રેજી માધ્યમની 9 સ્કૂલો.
- શાળાઓમાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા.
- દર વર્ષે 6 હજારથી વધુ ફોર્મ ભરાય.
- વેઇટિંગ લિસ્ટમાં 2 હજારથી 3 હજાર વિદ્યાર્થીઓ.
- શાળાઓમાં એડમિશન માટે કરવો પડે છે ડ્રો.
સામાન્ય રીતે સરકારી સ્કૂલોમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણે એવું મનાય છે પણ સુરતની સ્કૂલોમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારનાં બાળકો પણ ભણે છે. આ શાળાઓમાં ડ્રો લગભગ 10 થી 15 દિવસ પછી થવાનો હોય છે અને એ પહેલાં ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જોકે, મોટા ભાગની સ્કૂલોમાં પહેલા જ દિવસે જેટલી બેઠકો હોય એટલાં ફોર્મ ભરાઈ ગયાં છે.
શું સરકારી શાળાઓમાં વેઇટિંગ હોય શકે ? જુઓ NewsCapital પર ખાસ શો #Prime9_WithJigar ખબરની ન કરો ફિકર Prime9 with Jigar (Part -2)#Prime9 #WithJigar #GovernmentSchool #DemandIncrease #Surat #Vadodara #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/y595OIPZpk
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) June 28, 2024
સુરતમાં શિક્ષણની સૂરત બદલાઈ
- ઉતરાણની સરકારી શાળાઓમાં પ્રવેશ માટે પડાપડી.
- મોટા વરાછાની સ્કૂલોમાં પણ એવી જ સ્થિતિ.
- પ્રમુખ સ્વામી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની લાંબી લાઈન.
- વાલીઓમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને ડોક્ટર્સ પણ સામેલ.
- એન્જિનિયર અને CA સહિતના પ્રોફેશનલ્સને પણ સરકારી શાળામાં રસ.
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ.
- ઘણી બધી સ્કૂલો બંધ કરવાની ફરજ પણ પડી.
- સુરતમાં સરકારી સ્કૂલોની બોલબાલા વધી.
ગુજરાતનાં બીજાં શહેરો અને વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે. ગુજરાતમાં 100 કરતાં વધારે સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડાપડી એક સમયે વાલીઓ સરકારી સ્કૂલોના નામથી જ ભડકતા સરકારી સ્કૂલોમાં તો છોકરાંને ભણાવાતાં હશે એવી ટીકા થતી……પોતાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરતા. જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી એવી માનસિકતા લોકોની હતી. આ કારણે ખાનગી સ્કૂલોમાં એડમિશન માટે વધારે રકમનું ડોનેશન અપાતું. હવે, જબરદસ્ત પરિવર્તન આવ્યું છે અને લોકો સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે. હવે, સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. હજુય વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર એડમિશન માટે મોટી લાઈનોમાં જોવા મળી રહ્યાં છે પણ સાથે સાથે સરકારી સ્કૂલોમાં પણ લાઈનો લાગે છે એ મોટી વાત છે. આ પરિવર્તન સુખદ છે અને આ પરિવર્તન કેમ આવ્યું એ સમજવાની જરૂર છે.
પરિવર્તન માટેનાં ચાર મુખ્ય કારણો
પહેલું કારણ
ખાનગી સ્કૂલોનું બેફામ ઊંચું ફી ધોરણ
બીજું કારણ
ખાનગી સ્કૂલોની મનમાની અને દાદાગીરી
ત્રીજું કારણ
શિક્ષણમાં શું મહત્ત્વનું છે એ અંગે વાલીઓમાં જાગૃતિ
ચોથું કારણ
સરકારી સ્કૂલોના શિક્ષણમાં થઈ રહેલો ધરખમ સુધારો
શહેરોમાં મધ્યમ વર્ગીય લોકોની મોટા ભાગની કમાણી છોકરાંને ભણાવવામાં જાય છે. હવે, સરકારી સ્કૂલોનો વિકલ્પ મળ્યો તો લોકો એ તરફ વળી રહ્યા છે.
સરકારી સ્કૂલ કેમ સારી ?
- સરકારી સ્કૂલોમાં ફીના મામલે બિલકુલ રાહત.
- સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ.
- સત્ર ફી અત્યંત સામાન્ય.
- મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ તમામ સો ટકા બાળકો સ્કૂલમાં જમે.
- યુનિફોર્મ, સ્કૂલ બેગ, તમામ પ્રકારની સ્ટેશનરી સરકાર તરફથી મળે.
હવે, વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય શામાં ઉજ્જવળ છે અને કઈ રીતે તેનો પાયો મજબૂત કરી શકાશે એ પહેલાં જુએ છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વાલીઓમાં ક્રેઝ છે એ પણ સારી બાબત છે કેમ કે અત્યારે નોલેજ અંગ્રેજી ભાષામાં જ મળે છે. આ સિવાય સરકારી સ્કૂલોના શિક્ષણમાં ધરખમ સુધારો થઈ રહ્યો છે એ સૌથી મોટું કારણ છે. અત્યારે જે સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને ટક્કર આપે છે તેમાં એક વાત કોમન છે.
સરકારી સ્કૂલ કેમ સારી ?
- અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ સહિતની તમામ પ્રકારની સુવિધા.
- કમિટેડ સ્ટાફ અને શિક્ષણ માટે જરૂરી તમામ સવલતો.
- પ્રાઇવેટ શાળા કરતાં મળે છે સારું શિક્ષણ.
- સરકારી શાળાઓ અંગેની જૂની માન્યતાઓ તૂટી.
- વાલીઓ પણ જાગૃત થયા.
- શિક્ષણની ગુણવત્તા પણ સારી.
ખાનગી શાળાઓ 15 હજારથી લઈને 4 લાખ સુધી વાર્ષિક ફી લઈને જે સુવિધા આપે છે તે હાલ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ છે. ખાનગી સ્કૂલોમાંથી મોટા ભાગની સ્કૂલોમાં ઓછા પગારના અને ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે જ્યારે સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ B.ed પાસ હોવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન સારી રીતે કરે છે.
સરકારી સ્કૂલ કેમ સારી ?
- ગુજરાતીઓમાં સંસ્કાર સિંચન તરફ સભાનતા વધી.
- સરકારી શાળાઓમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરાય.
- પશ્ચિમના વિચારોના બદલે ભારતીય વિચારો અપાય.
- બાળકના જન્મદિવસની કેક નહીં પણ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી.
- સરકારી શાળાઓના પરિસરમાં એક પરિવારની જેમ કાર્યક્રમ કરાય.
- શિક્ષકો ઘર જેવું વાતાવરણ પૂરું પાડી બાળકોને અભ્યાસ કરાવે.
ખાનગી સ્કૂલોની ફીની વાત કરી લઈએ. અત્યારે ભારતમાં શિક્ષણ ધંધો બની ગયો છે અને છોકરાંના ભણવા પાછળ ધૂમ ખર્ચા કર્યા પછી પણ સારું શિક્ષણ નથી મળતું. અત્યારે જે સ્થિતિ છે તેમાં મોટા ભાગની સરકારી સ્કૂલોની હાલત એટલી ખરાબ છે કે લોકોએ પોતાનાં છોકરાંને ખાનગી સ્કૂલોમાં ભણાવવાં પડે છે.ખાનગી શાળાની જેમ જ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈ વાલીઓ ખાનગી શાળાના બદલે પોતાના બાળકોને હવે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ એક સારી પહેલ છે એ જોતાં સમાજ અને સરકાર બંને મળીને આ પહેલને આગળ ધપાવે એ જરૂરી છે. આ પહેલને મજબૂત કરવા માટે સરકારી શાળાઓનું સ્તર સુધારવા માટે સમાજ અને સરકાર બંને પ્રયાસ કરે તો શિક્ષણમાં મોટી ક્રાંતિ આવી જાય. ગુજરાત સરકાર સરકારી સ્કૂલોમાં સુધારો કરવાની ઝુંબેશ ચાલુ રાખે તો સ્થિતિ સુધારી શકાય એમ છે.
ખાનગી સ્કૂલોના નિયમો
- ખાનગી સ્કૂલો દ્વારા લેવાય છે લોકોની મજબૂરીનો લાભ.
- ટ્યુશન ફી, સત્ર ફી, કોશ મની ડિપોઝિટ, સ્પોર્ટ્સ ફી, લાઇબ્રેરી સહિત અનેક ફી.
- મધ્યમ સ્તરની ખાનગી સ્કૂલમાં પહેલાં ધોરણની ફી જ મિનિમમ 50 હજાર રૂપિયા.
- એક વાર ફી લીધા પછી ઇતર પ્રવૃત્તિના નામે પણ ફીની વસૂલાત.
ખાનગી સ્કૂલોની મનમાની અને દાદાગીરી પણ બહું છે. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓ એડમિશન લે એના પછી પુસ્તકોથી માંડીને જૂતાં સુધીનું બધું ચોક્કસ જગ્યાએથી જ લેવું પડે, ત્યાંથી દાદાગીરી શરૂ કરે છે.
ખાનગી સ્કૂલોના નિયમો
- સ્કૂલે જે સ્ટોર નક્કી કર્યા હોય એના ભાવ બજાર ભાવ કરતાં વધારે.
- સ્કૂલ કે સંચાલકનું કમિશન ઉમેરાય.
- કોશ મની ડિપોઝિટ સહિતનાં નાણાં ઉઘરાવાય.
- બાળક સ્કૂલમાં ભણે ત્યાં સુધી સંચાલક એ રૂપિયાનો કરે છે ઉપયોગ.
- એન્યુઅલ ડેમાં પરફોર્મન્સ માટે ચોક્કસ દુકાનેથી ડ્રેસ ભાડે લાવવાના હોય.
- સ્કૂલની પિકનિક કે ટ્રિપમાં ફરજિયાત જવાનું હોય.
- સ્કૂલની બસનો જ આ આવવા-જવા માટે ઉપયોગ કરવો.
- આવી શરતો લાદીને રીતસરની મનમાની અને દાદાગીરી કરાય.
- આ દાદાગીરી અને મનમાનીના કારણે વાલીઓ આર્થિક રીતે લૂંટાય.
- હવે, શિક્ષણમાં શું મહત્ત્વનું છે એ અંગે વાલીઓમાં જાગૃતિ પણ વધી.
- પહેલાં લોકો મોટી સ્કૂલના નામથી અંજાઈ જતાં હતાં, હવે એ સ્થિતિ રહી નથી.
વાલીઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી કે તગડી ફી વસૂલતી ખાનગી શાળાઓના શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે કમિટીની રચના કરવામાં આવે. શિક્ષણની ચકાસણી માટે દર વર્ષે ઇન્સ્પેકશન થાય, જેથી વિદ્યાર્થીને ટ્યૂશનમાં ન જવું પડે અને શિક્ષણની ગુણવત્તા સારી થાય. કમનસીબે આવું કશું થયું નહીં. ગુજરાત સરકારે ખાનગી શાળાઓ માટે ફીનાં ધોરણો નક્કી કર્યાં એ સિવાય બીજી જાત જાતની ફી લેવાય છે અને સરકારનો કોઈ અંકુશ ન હોવાનું જણાય છે. ખાનગી શાળાઓ વિધેયકની મર્યાદામાં રહીને સત્ર ફી લે છે પણ આ ફીની પહોંચ આપી દીધા પછી અન્ય રીતે ફી ઉઘરાવવાનું ચાલુ જ છે તેથી કાયદાનો કોઈ મતલબ રહ્યો નથી
ગુજરાત સરકારે 2017માં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ માટેનું ફીનું માળખું નક્કી કરતો કાયદો બનાવીને ખાનગી સ્કૂલો પર લગામ કસીને લોકોને રાહત આપવા માટે પ્રસંશનીય પ્રયત્નો કર્યા હતા. જોકે, ઘણા ખરા અંશે આ કાયદાનો ઉદ્દેશ પાર પડ્યો નથી. આ કાયદાનો અમલ 2017ના જૂનથી જ શરૂ થઈ ગયો હતો પણ છેલ્લાં સાત વર્ષમાં સ્થિતિમાં બહું સુધારો થયો નથી. ખાનગી શાળા સંચાલકોની મનમાની હજુ યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલાં ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયાં હતા.સ્કૂલ સંચાલકોએ શાળા ફી નિયમન કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો પછી 2018માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. અદાલતે શું ચુકાદો આપ્યો એ અમે તમને જણાવીશું.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખાસ વાતો
- ખાનગી શાળાઓ વધારાની સુવિધાઓના નામે ફી વધારીને લઈ શકે.
- ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ માટે રાજ્ય સરકારને કાયદો ઘડવાનો અધિકાર.
- શાળા સંચાલકો અને સરકાર સાથે બેસીને ચર્ચા કરે.
- શિક્ષણની સુવિધા વધુ આપે તે શાળાઓ ફી વધુ લઈ શકે.
- સરકારને નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ.
ફી નિયમન કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટીએ વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે એ ખૂબ જ ઊંચી હોવાને કારણે વાલીઓમાં રોષ છે. વાલીમંડળ તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, શાળા સંચાલકો જેટલી ફી માંગી તે ફી કમિટીએ મંજૂર કરી દીધી છે અને વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. ગુજરાત સરકારે આ કાયદો બનાવ્યો ત્યારે એલાન કર્યું હતું કે, ફીનું માળખું નક્કી કરતા વિધેયક અંગેનું જાહેરનામું બહાર પડે ત્યારે માત્ર સત્ર ફી જ નહીં, ટ્યૂશન ફી, અન્ય ફી બાબતે પણ ફીની મર્યાદા નક્કી કરતા નિયમો જાહેર કરાશે.
ગુજરાત સરકારની જાહેરાત
- શાળા સંચાલકો વધારાનો એક પણ રૂપિયો ઉઘરાવી શકશે નહીં.
- તમામ શાળાઓએ બેન્ક એકાઉન્ટ નંબર જાહેર કરવો પડશે.
- વિદ્યાર્થીએ બેન્કમાં ડાયરેકટ ફી જમા કરાવવાની રહેશે.
- રોકડના તમામ વ્યવહાર બંધ થશે.
- સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરાવી શકશે.
- વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી પાસે તેમની ફરિયાદ રજૂ કરી શકશે.
- વાલીઓએ ફરિયાદ નોંધાવવા શિક્ષણાધિકારી કચેરીમાં ધક્કા નહીં ખાવા પડે.
- હેલ્પલાઈન જાહેર કરવાની ખાતરી અપાઈ.
- હેલ્પલાઈન પર માત્ર એક ફોન કોલથી જ ફરિયાદ નોંધાવી શકાય.
અત્યારે રાજ્યમાં શહેરી વિસ્તારો જ નહીં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ સૌથી મહત્વની સમસ્યા ખાનગી સ્કૂલોની ફી જ છે. શહેરોમાં તો મધ્યમ વર્ગીય લોકોની મોટા ભાગની કમાણી છોકરાંને ભણાવવામાં જાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થિતિ બહું સારી નથી ત્યારે ત્યારે એમાં રાહત મળે તેવી અપેક્ષા સૌને છે. BJP સરકાર ખાનગી સ્કૂલ સંચાલકોને નાથે એ જરૂરી છે પણ સરકારી સ્કૂલોને વધારે સક્ષમ બનાવાય એ તો શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્ય સરકાર એ દિશામાં હજુ ઘણું બધું કામ કરી શકે છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે સરકારી સ્કૂલોને સુધારવા માટે ચલાવેલી ઝુંબેશનાં પરિણામ મળ્યાં છે. દિલ્હીની સ્કૂલો અત્યારે દેશભરની સરકારી સ્કૂલો માટે રોલ મોડલ મનાય છે. જો કે માત્ર રાજ્ય સરકારના કરવાથી કશું નહીં થાય.
સમાજ કરે પહેલ
- ખાનગી સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓ આગળ આવે.
- જ્ઞાતિઓ કે ધાર્મિક સંસ્થાઓ સરકારી સ્કૂલોને દત્તક લઈ શકે.
- સંસ્થાઓ સ્કૂલોમાં સવલતો સુધારવામાં યોગદાન આપી શકે.
- કોર્પોરેટ કંપનીઓ યોગદાન આપી શકે.
કોર્પોરેટ કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે દર વર્ષે ચોક્કસ રકમ સામાજિક કાર્યો પાછળ ખર્ચવાની જ હોય છે. આ રકમ સરકારી સ્કૂલોને અત્યાધુનિક સવલતો આપવા પાછળ ખર્ચી શકાય. ગુજરાતમાં 18 હજારથી વધારે ગામડાં છે અને એમાં મોટા ભાગની સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે. જોકે ગુજરાતમાં ઘણી કંપનીઓ એવી છે કે, એક સાથે સો-સો સ્કૂલોને દત્તક લઈ શકે. ધાર્મિક સંસ્થાઓ પણ સો-સો સ્કૂલોને દત્તક લઈને તેમની કાયાપલટ કરી શકે તેમ છે. ગુજરાતમાં હજારો કંપનીઓ અને સંસ્થાઓ છે. એ બધાં પહેલ કરે તો શિક્ષણની કાયાપલટ કરવી જરાય અઘરી નથી. આ કામ થાય તો ગુજરાતના શિક્ષણનું સ્તર ચોક્કસ ઉંચું આવી જાય અને સામાન્ય લોકોને બહું મોટી રાહત પણ મળે.