September 20, 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ, મહીસાગરમાં આભ ફાટ્યું

Gujarat Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ રાજ્યમાં મેઘો અવિરત વરસી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યાં જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અહીં જનજીવનને માઠી અસર પહોંચી છે. ત્યાં જ ડાંગ, આહવા, કપરાડા, વધઈમાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, ડેડિયાપાડા, વલસાડમાં પોણા 9 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ 187 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો મૂળી, વાસંદા અને રાજકોટમાં સવા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલા અને સંતરામપુરમાં સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

નડિયાદમાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો
નડિયાદ જિલ્લાની વાત કરીએ તો મહુધા, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠાસરા, માતર, ખેડા, મહેમદાવાદ તાલુકામાં પણ મેઘો અવિરસ વરસી રહ્યો છે. જેના કારણે નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જન્માષ્ટમીની રજા ઘરમાં જ વિતાવી પડે તેવી સ્થિતિ બની છે.

અમદાવાદમાં 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા
અમદાવાદમાં મોડી રાતના વરસાદ બાદ અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતના વરસાદ બાદ 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. મેઘાણીનગર વિસ્તારમાં વૃક્ષ રોડ પર પડતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં જ વાસણા બેરેજ રોડ પર 2 વૃક્ષ ધરાશાયી થતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરણીધર દેરાસર પાછળ આર.સી પટેલ શાળા પાસે પણ 1 વૃક્ષ ધરાશયી થયું છે. તો વાસણા બસ સ્ટેન્ડની પાછળ વૃક્ષ ધરાશાયી થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી મેઘ મહેર યથાવત છે. જેમાં ચોટીલામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે અહીં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જોકે સારા વરસાદથી કપાસ, મગફળી સહીતના પાકને ફાયદો થયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુળી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ શહેરના 3 અંડર પાસ બંધ કરી દેવાયા છે. જેમાં મીઠાખળી, અખબારનગર અને પરિમલ અંડરપાસ બંધ કરાયા છે. મીઠાખળી અંડર પાસમાં પાણી ઓસરતા સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. AMC દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આજે વહેલી સવારે 3.55 કલાકે પહેલા મીઠાખળી અંડર પાસ બંધ કરાયો હતો.

મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું
મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કડાણા અને લુણાવાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખાનપુર અને વીરપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં અવિરત વરસાદના પગલે મહીસાગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લુણાવાડાના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રઢશો સર્જાયા છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.