પરશોત્તમ રુપાલાનું માર્મિક નિવેદન, OBC સમાજને રામસેના સાથે સરખાવ્યો
રાજકોટઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ માહોલ ગરમ છે. ત્યારે તેમણે અન્ય એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. તે પણ ચર્ચામાં છે.
ગઈકાલે રાજકોટમાં OBC જાગરણ મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. તેમણે આ સભામાં સંબોધન દરમિયાન એક માર્મિક નિવેદન આપ્યું છે. તે ઘણું ચર્ચાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘OBC સેનાની મદદથી ચૂંટણી યુદ્ધ જીતવા સક્ષમ છું.ְ’ તેમણે OBC સમાજને રામાયણની રામસેના સાથે સરખાવ્યો છે. ત્યારે તેમનુ આ નિવેદન પણ ચર્ચામાં છે.
રાજકોટમાં સાંજે યોજાયેલા ઓબીસી પરિવારના મહાસંમેલનમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી. તેમણે આ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રામનવમીના દિવસે રામાયણની નાની એવી ઘટના પર ધ્યાન દોરવાનું મન થાય છે. સીતાજીનું હરણ થયું અને તેની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે, લંકામાં અશોકવાટિકામાં સીતાજી બેઠા છે. રાવણ જેવો દુશ્મન નક્કી થયો. ત્યારે આ તો આયોધ્યાના રાજવીઓ પરંતુ રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, અયોધ્યાની સેના આવી અને રામે યુદ્ધ કર્યુ. પરંતુ ત્યાં જે વનવાસીઓ અને આદિવાસીઓ હતા તે પ્રકારના નાના નાના સમાજના લોકોએ ભેગા કરી લંકા ઉપર હુમલો કર્યો અને રાવણને હરાવ્યો.
આ રીતે તેમણે ઓબીસી સમાજને સંબોધીને કહ્યુ કે, ‘મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા ચૂંટણીનુ યુધ્ધ જીતવા માટે સક્ષમ છીએ. આ રીતે તેમનાં દ્વારા થયેલું માર્મિક નિવેદન ચર્ચાના કેન્દ્રમાં રહ્યુ હતુ.’