રાજકોટમાં ગુનેગારો બેખૌફ બન્યા, શહેરીજનોમાં ભય

Rajkot Crime: રાજકોટમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. અહીં ગુનેગારો ગુનો કરતાં પહેલાં એક વખત પણ અચકાતા નથી. ખુલ્લેઆમ છરી,તલવાર જેવા હથિયાર લઈને સીન સપાટા કરતા જોવા મળે છે. તો ક્યાંક ફાયરિંગ પણ કરવામાં આવે છે. ત્યારે આવા ગુનેગારો ઉપર શું રાજકોટ પોલીસ લગામ લગાવી શકશે કે નહીં તેવો સવાલ દરેક શહેરીજનોમાં ઉઠ્યો છે. ત્યારે રાજકોટના પુનિત નગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા શહેરીજનો ફફડી ઊઠ્યા છે.

નગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની
ગઈકાલે 15 ફેબ્રુઆરી શનિવારના રોજ વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ શહેરના પુનિત નગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં પેંડા ગેંગનો પરેશ ગઢવી ઉપર ફિલ્મી સ્ટાઇલથી કારમાં આવેલા આવેલા ત્રણ શખ્સો પૈકી આરોપી સમીરે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. જેમાં પરેશ ગઢવીને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઉતરાયણ પૂર્વે આરોપી સોહીલ ઉપર ફરિયાદી પરેશ ગઢવી તેમજ તેના સાગરીતો દ્વારા છોકરી બાબતે ધોકા,પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી આ અંગે ફરિયાદ નોંધવામાં આવતા પરેશ ગઢવીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પરંતુ બંને વચ્ચે થયેલ માથાકૂટ સોશિયલ મીડિયામાં પણ ચાલી રહી હતી. જેમાં પરેશ ગઢવીને જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે આરોપી સોહિલ અને સમીર છેલ્લા એક સપ્તાહથી પરેશ ગઢવીની રેકી કરી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ પુનિત નગર વિસ્તારમાં પરેશ ગઢવી તેના ઘર પાસે હતો. ત્યારે તેના ઉપર ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. જેમાં રાજકોટ એસઓજીએ બાતમીના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદર ચાનીયાની અટકાયત કરીને ગેરકાયદેસર હથિયાર તેમજ ફાયરિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:મહેમદાવાદમાં અપક્ષ ઉમેદવારના પતિ અને નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ

ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે
આરોપી સોહિલ ઉપર એક મહિના પૂર્વે પરેશ ગઢવી એ જે ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા માટે સોહીલે તેના મિત્ર પાસેથી અન્ય રાજ્યમાંથી હથિયાર મંગાવ્યું હતું. ત્યારે પોલીસે આ હથિયાર તેમજ બે મેગેઝીન અને બે જીવતા કાર્ટૂસ અને કારને કબજે કરી હતી. ફાયરિંગ કરનાર આરોપી સમીરને અગાઉ પાસા થઈ ચૂક્યા છે. તેમજ ફરિયાદી પરેશ ગઢવી પણ પેંડા ગેંગનો સાગરીત છે. આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.