November 22, 2024

પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને કહ્યા ‘લુચ્ચા’, પછી ખુલાસો કર્યો!

રાજકોટઃ એકબાજુ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિવિદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિયો સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેને લઈને કોંગ્રેસને ચારેબાજુથી ઘેરવામાં આવી રહી છે.

પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજી વિશે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘આ દેશમાં બીજો ગાંધી પાકશે તો રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે… ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી. પરંતુ આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ, એકદમ અણિશીખ સાચો માણસ. જેને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો, તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને તે અડગ થઈને લડ્યા. આજે દેશ તેમને સ્વીકારે છે કે માણસ બરાબર છે.’

તેમણે આ અંગે ખુલાસો આપતા જણાવ્યુ હતુ કે, ‘ખૂબ આનંદનો વિષય છે કે, ભાજપ જે ગાંધીજીના વિરોધી છે તેના વિશે વાત કરે છે. મેં જે વાત કરી છે તે ઇતિહાસમાં લખેલી વાત છે. મારા શબ્દો નથી. તે લોકો પુસ્તકોને ઉથલાવીને જોવે તો ખ્યાલ આવે. નવી વાત એ કરી છે કે, અંગ્રેજો સામે જે દૃઠતાથી જે નીડરતાથી સત્યાગ્રહથી ગાંધીજી વડ્યા હતા, અંગ્રેજોની જેમ ભાગ પાડો અને રાજ કરોની નીતિ અને લોકશાહી ખતમ કરવાની વાત ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં… એની સામે ગાંધીની જેમ મજબૂતાઈથી લડી રહ્યું હોય તે રાહુલ ગાંધી છે. આગામી સમયમાં દેશના લોકો રાહુલ ગાંધીમાં ગાંધીજીને જોશે. અનેક પુસ્તકો મેં વાંચ્યા છે. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીને સંવાદને ટાંકીને લખાયેલા શબ્દો છે, કયા પુસ્તકમાં મેં વાંચ્યા છે તે મને યાદ નથી. પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે. મેં મારા શબ્દો ઉમેર્યા નથી.’