June 30, 2024

International Yoga Day 2024: રાજકોટમાં અઢી વર્ષની બાળકી કરે છે 15 આસન

ઋષિ દવે, રાજકોટઃ સમગ્ર વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે ત્યાં એક કહેવત છે કે, ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ તેમજ અન્ય એક કહેવત છે ‘વડ એવાં ટેટા અને બાપ એવાં બેટા’. ત્યારે રાજકોટમાં માતા-પુત્રીની અનોખી જોડી સામે આવી છે. માત્ર અઢી વર્ષીય રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસનને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે.

રાજકોટમાં રહેતી અને કાલીઘેલી ભાષામાં વાતચીત કરતી રુદ્રી પોપટ નામની અઢી વર્ષીય બાળકીના યોગાસન જોઈને હાલ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. રુદ્રી પોપટની ઉંમરના બાળકો બચપણની મસ્તીમાં આનંદ કિલ્લોલ કરતા હોય છે. ત્યારે અઢી વર્ષીય રુદ્રી પોપટ જુદા જુદા યોગ આસનો દ્વારા નાનપણથી જ યૌગિક ક્રિયાઓ પ્રત્યે ઘરઆંગણેથી જ જ્ઞાનમાં સંવર્ધન કરી રહી છે.

આ પણ વાંચોઃ શ્રીનગરમાં દલ સરોવરના કિનારે PM મોદીએ કર્યા યોગ

રુદ્રી પોપટ હાલ ધનુરાસન, પવન મુક્તાસન, સેતુબંધાસન, ભુનમન આસન, બાલાસન, ભુજંગાસન, પર્વતાસન, પાદાનગુષ્ટનાસાસપર્શનાસન, હલાસન, પશ્ચિમોતાનાસન, મકરાસન, મર્કટાનાસન, ભદ્રકોણાસન, મલાસન, વૃક્ષાસન સહિતના 15થી વધુ યોગાસન કરે છે.

મીડિયા સાથેની વાતચીતમાં રુદ્રી પોપટની માતા હિમાનીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ְ‘તેમણે કોવિડ પૂર્વે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવતા ડિપ્લોમા ઇન યોગની પદવી ડિસ્ટિન્કશન સાથે પ્રાપ્ત કરી છે. આ સાથે જ ગુજરાત સરકાર માન્ય યોગા ટીચર તરીકેનો કોર્ષ પણ કર્યો છે. પાવર યોગા અને એરોબિક્સ, ઝુંબા સહિતના કોર્ષ પણ કર્યા છે. ત્યારે આગામી સમયમાં પુત્રી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું નામ રોશન કરે તે પ્રકારની અભિલાષા છે. તો સાથે જ હિમાનીનું કહેવું છે કે, માતા-પિતા દ્વારા નાનપણથી જ પોતાના બાળકોને યોગ તેમજ યૌગિક ક્રિયાઓ અંગે સમજણ આપવામાં આવે તો તેમના બાળકો પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધી શકે તેમ છે.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે પોઇન્ટ 0 નડાબેટમાં કર્યા યોગ

કોઇએ સાચું જ કહ્યું છે, એક મા 100 શિક્ષક બરાબર હોય છે. ત્યારે તમે પણ રુદ્રી પોપટની જેમ તમારા બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતતા લાવી તેમના ભાવિને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરો તે જરૂરી છે. કારણ કે, કોઈ પણ ક્ષેત્રમાં જીત હાંસલ કરવા માટે મક્કમ મનોબળ અને શારીરિક સ્વસ્થતા અનિવાર્ય છે.