July 1, 2024

75000ના પગારદાર TPO એમ.ડી. સાગઠીયા પાસે કરોડોની સંપત્તિ આવી ક્યાંથી?

ઋષિ દવે, રાજકોટ: 25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ખાલી એક કલાકમાં જ 24 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે આ આગકાંડ બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને આ અગ્નિકાંડમાં જે લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું, જે સરકારી અધિકારીઓએ આ ગેમઝોન અગ્નિકાંડ સાથે જોડાયેલા હતા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મનપાના TPO એમ.ડી.સાગઠિયા, ATPO ગૌતમ જોશી , ATPO મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની કરાઈ ધરપકડ કરવામાં આવી છે.

75 હજારના પગારદાર પાસે કરોડોની સંપત્તિ આવી ક્યાંથી?
આ અગ્નિકાંડ બાદ ACB દ્વારા રાજકોટ કોર્પોરેશનમાં સર્ચ કરાયુ હતું. એસીબીના અધિકારીઓએ ગઈકાલે TPO એમ ડી સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરની ચેમ્બરમાં સર્ચ કર્યું હતું. રાજકોટમાં ACBની 5 ટીમોએ ધામા નાંખ્યા હતા. આ દરમિયાન અધિકારીઓના ઘર અને ઓફિસ પર ACB દ્વારા સર્ચ શરૂ કરાયું હતું. એક માહિતી અનુસાર, TPO એમ.ડી. સાગઠીયા કરોડોનો આસામી છે. ત્યારે સવાલ એવો પણ ઉદ્ભવે છે કે, 75 હજારના પગારદાર પાસે કરોડોની સંપત્તિ આવી ક્યાંથી?

આ પણ વાંચો: બેન્કોમાં જમા 78,213 કરોડ રૂપિયાનું નથી કોઈ દાવેદાર, જાણો કેમ?

સાગઠિયા પાસે કરોડોની બેનામી સંપત્તિ
સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, રાજકોટ મનપાના TPO સાગઠિયા પાસે કરોડોની બેનામી સંપત્તિ છે. હાલમાં TPO એમ.ડી.સાગઠિયાની સંપત્તિ પર ACBની તવાઈ છે. ત્યારે એવી જાણીતી સામે આવી રહી છે કે, રાજકોટ યુનિવર્સિટી રોડ પર 5.50 કરોડની કિંમતની જમીનમાં સાગઠિયાનો 6 કરોડનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. જામનગર રોડ પર અલખધણી પેટ્રોલપંપ તેમજ ગોંડલના ગોમટા પાસે 9 કરોડ કિંમતનું ફાર્મ હાઉસ તૈયાર થઇ રહ્યું છે. ભ્રષ્ટાચારમાં TPO સાગઠિયા રોકડા રૂપિયાની જગ્યા એ ડાયમંડ લેતો હોવાની લોકમુખે ચર્ચા છે.

મનપાના TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતની મોડ્સ ઓપરેન્ડી
રાજકોટ મહાનગરપાલિકાના TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતોની મોડ્સ ઓપરેન્ડી પણ સામે આવી છે જેમાં તે રાજકોટમાં ગેરકાયદેર બાંધકામની શરૂઆત થાય ત્યારે આંખ આડા કાન કરતો હતો અને પછી બાંધકામ પૂર્ણ થવાના આરે હોય ત્યારે સાગઠિયાના મળતીયાઓ ફોટોગ્રાફ્સ પાડી મનપાની ટાઉન પ્લાનિંગ શાખામાં અરજી કરતા હતા. અરજી મળ્યા બાદ સાગઠિયા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ નોટિસ કાઢતો હતો અને નોટિસ મળતા બિલ્ડર કે પછી મકાન માલિકને મળતીયાઓ સમાધાન કરવાની બાહેંધરી આપી પતાવટ કરવાની વાત કરતા હતા. જોકે બાંધકામ પૂર્ણ થવા આવ્યું હોય ત્યારે લોકો રોકડા રૂપિયા આપી ATPO મારફક સાગઠિયાને મનાવી લેતા હતા. બિલ્ડરો સાથે સાગઠિયા રોકડાના બદલામાં ડાયમંડ લઇને સેટિંગ કરતો હોવાની પણ લોકમૂખે ચર્ચા છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાના TPO એમ.ડી.સાગઠિયા, ATPO ગૌતમ જોશી , ATPO મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઇ છે અને આ તમામ અધિકારીઓની ઓફિસ અને ઘરે તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં જ રાજકોટ એસીબીની ટીમ આ તમામ અધિકારીઓના સંબંધીઓના પણ બેંક એકાઉન્ટ તપાસ કરશે.