રાજકોટની આ નેઇલ આર્ટિસ્ટે બનાવ્યાં કમળ, પંજો અને સાવરણાં! લોકોને મતદાન કરવા અપીલ
ઋષિ દવે, રાજકોટઃ શહેરમાં મતદાન જાગૃતિ માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યું છે. ત્યારે રાજકોટની યુવતીએ અનોખી રીતે મતદાન જાગૃતિની પહેલ કરી છે. આ યુવતી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
રાજકોટની નેઇલ આર્ટિસ્ટ જાસ્મિન રાઓલ હાલ આખાય શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. જાસ્મિન તેનાં અવનવાં નેઇલ આર્ટ માટે પ્રસિદ્ધ છે. હાલ લોકસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે જાસ્મિને તેના આર્ટનો ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે ઉપયોગ કર્યો છે.
એક તરફ જિલ્લામાં ચૂંટણી તંત્ર મતદારોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. તો બીજી તરફ, જાસ્મિન તેની કળાનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહી છે. જાસ્મિને નેઇલ આર્ટમાં રાજકીય પક્ષોના ચિહ્નોનો ઉપયોગ કરીને નેઇલ આર્ટ કર્યા છે. જેમાં તેણે બીજેપીનું કમળ, કોંગ્રેસનો પંજો તેમજ આમ આદમી પાર્ટીનાં સાવરણાનું ચિહ્ન તૈયાર કરીને ‘VOTE FOR INDIA’ નામનું લખાણવાળા નેઇલ તૈયાર કરી તમામ યુવક-યુવતીઓને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા કે સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા ઉમેદવારો મતદાતાઓના જનમાનસ પર તેમનું રાજકીય ચૂંટણી ચિહ્ન છાપી દેવા કોઈ કસર છોડતા નથી. તેઓ સંપૂર્ણપણે પ્રચાર-પ્રસારની મળતી કોઈ જગ્યા છોડવા માંગતા નથી અને લોકોના જનમાનસ પર છવાઈ જવા માંગે છે. ત્યારે રાજકોટની યુવતી જાસ્મિન જેવા નેઈલ આર્ટીસ્ટ પણ આવા સમયકાળમાં તેની ક્રિએટિવિટીથી મતદાન મજબૂત કરવાના ઈરાદા સાથે તેમની સામાજિક ફરજ નિભાવી રહ્યા છે.