હજ-ઉમરાહના નામે 200થી વધુ શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી, રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કારનામું

રાજકોટઃ જિલ્લામાં અવારનવાર છેતરપિંડીના અનેક કિસ્સા બનતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હજ અને ઉમરહના નામે 200થી વધુ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ભોગ બનનારા સમીરભાઈ મુલતાનીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે, ‘રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ ટૂર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાના બહાને પૈસા ઉઘરાવી લીધા છે. બુકિંગ કરાવ્યા બાદ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા માટે કોઈ બુકિંગ કે હજ જવા માટેનું આયોજન ન હતું.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ત્યારબાદ અમને છેતરાઈ ગયા હોવાની જાણ થતા જ અમે ટૂર સંચાલકોને ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં. રાજકોટના ભગવતી પરામાં આવેલી ઓફિસે પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનારા ગાયબ હતા. આ મામલે અમે પોલીસ ફરિયાદ કરી છે. અંદાજે 60 હજારથી દોઢ લાખ સુધીના અલગ અલગ પેકેજ બુક કર્યા હતા.’

તેઓ કહે છે કે, અમારી જેમ અનેક લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં રાજકોટ, મોરબી, ટંકારા, જેતપુરના લોકો ભોગ બન્યા છે.