સરધાર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત, ઝેરી દવા ગટગટાવી
રાજકોટ: સરધાર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. ઝેરી દવા ગટગટાવીને ખેડૂતે જીવન ટૂંકાવી નાંખ્યું છે. હાલ આ મામલે આજીડેમ પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામે ખેડૂતે આપઘાત કર્યો છે. બે એકર જમીનમાં વાવેલો પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યું છે. 45 વર્ષીય જેસિંગભાઈ મકવાણાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, ત્યાં તેમનું મોત નીપજ્યું છે.
ચોમાસા બાદ પણ સતત માવઠાંથી કોથમરી અને મગફળીનો પાક બળી ગયો હતો. ત્યારે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેને કારણે તેમણે આપઘાતનું પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, પિતાના મોતથી બે પુત્રોએ છત્રછાયા ગુમાવી છે. પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આજીડેમ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.