November 22, 2024

TRP ગેમઝોન મામલે વધુ 3 અધિકારીઓની ધરપકડ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગશે

રાજકોટઃ TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી આઈવી ખેર, ભીખા ઠેબા અને મહેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 5 દિવસની રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડ મામલે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર, ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા, વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.

રેઝિનનો જથ્થો મળ્યો હોવાનો ખુલાસો થયો હતો
મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકો બળીને ખાખ થઇ ગયા હતા. જેમા એક બાદ એક ખુલાસા થતા રહે છે. ગેમઝોનમાં પેટ્રોલ કે ડીઝલનો મોટો જથ્થો હોવા મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે 1400 થી 1500લિટર રેઝીનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. રેઝિન એટલે કે એક પ્રકારનો ચીકણા પદાર્થ જે ચીપકાવવા માટે સ્ટેચ્યુ બનાવવા વપરાય છે તે પદાર્થ હતો.