November 21, 2024

પોરબંદરથી રમેશભાઈ ઓઝાએ આપી દિવાળી અને નુતન વર્ષની શુભેચ્છાઓ

પોરબંદર: જાણીતા કથાકાર આધ્યાત્મિક નેતા, શિક્ષણવિદ અને માનવતાવાદી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ દિવાળી અને નુતન વર્ષને લઈને ગુજરાત સહિત દેશભરની જનતાને શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છાઓ પાઠવતા રમેશ ઓઝાએ કહ્યું કે જ્યારથી આ પૃથ્વી બની ત્યારથી આ પૃથ્વી ઉપર દિવસ અને રાત આ બંને વસ્તુ છે. આપણી સોલાર સિસ્ટમમાં આપણી સૂર્યમાળામાં જેટલા ગ્રહો છે એ બધાના ઉપર રાત્રિ અને દિવસ એ સૂર્યને કારણે છે. આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે ખાસ કરીને આપણા ગુજરાતના હિસાબે જોઈએ.

તેમણે આગળ જણાવ્યું કે મહારાષ્ટ્રના હિસાબે જોઈએ તો વર્તમાન વર્ષની છેલ્લી રાત્રિ અને નવા વર્ષનું પહેલું પ્રભાત આ બંને જગ્યાએ બે વર્ષને જોડતી સંધિ છે અને એટલા માટે છેલ્લા વર્ષની રાત મહત્ત્વની એટલે રાતના આપણે દિવાળી મનાવીએ, દીવડા પ્રગટાવીએ. એની શરૂઆત ભલે બે-ચાર દિવસ પહેલાથી થઇ ગઈ હોય. પણ મહત્ત્વ દિવાળીનું અને દિવાળીનું મહત્ત્વ એટલે રાત્રિનું મહત્ત્વ. એવા દીવડા પ્રગટે કે અમાસની અંધારી રાત પણ પ્રકાશથી ઝળહળી ઉઠે. આથી આપણે અંધકાર ઉપર પ્રકાશના વિજયના પર્વરૂપે દિવાળીને મનાવીએ છીએ. અને એ પછી જેમ હર રાત કી એક સુબહ હોતી હૈ એમ સવાર પડે અને નવા વર્ષનું નવપ્રભાત એ દિવસની તો શરૂઆત છે જ, એ મહિનાની પણ શરૂઆત છે અને નવાવર્ષનો પણ પ્રારંભ છે. એટલે સૂરજ ઉગતાના પહેલા આપણે જાગી જઈએ અને એ સૂરજના ઓવારણા લઈએ અને નવા વર્ષ માટે એકબીજાને શુભકામના આપીએ.

શુભેચ્છાઓ આપતા રમેશ ઓઝાએ આગળ જણાવ્યું કે શરીરની સ્વસ્થતા, મનની પ્રસન્નતા અને ઘરમાં ધનધાન્ય આદિની સમૃદ્ધિ આ ત્રણેય વસ્તુની સાથે-સાથે જ્યારે પરસ્પર સદ્ભાવ એનાથી સમાજ સંકળાય ત્યારે સમાજમાં શાંતિ, સુખ, સ્વાસ્થ્ય આ બધું જ રહે અને એવા વાતાવરણમાં જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર આ બધાની ઉન્નતિ થાય. આપ સૌને આ દિપાવલી પર્વની અને નવાવર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જે દશવિધ લક્ષ્મી શાસ્ત્રોમાં કહી છે એનાથી બધા જ યુક્ત થાય, એનાથી સંપન્ન થાય, સૌ સ્વસ્થ રહે, નિરામય રહે, સૌ સુખી થાય અને સૌનું કલ્યાણ થાય. નવવર્ષના પ્રભાતે ભગવાન સવિતાને, જે આરોગ્યના દાતા છે “आरोग्यं भास्करादिच्छेत्” એવું શાસ્ત્રો કહે છે. એ ભગવાન ભુવનભાસ્કરને આપ સૌને માટે પ્રાર્થના, દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના.