Sabarmati સેન્ટ્રલ જેલમાં વૃદ્ધ કેદીની હત્યા કરનાર કેદીની Ranip પોલીસે કરી ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વૃદ્ધ કેદીની હત્યા કરનાર કેદીની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કેદીઓ વચ્ચે થયેલી સામાન્ય તકરારમાં આરોપી કેદીએ ઇંટથી હુમલો કરીને હત્યા કરી હતી. આરોપી એક્સ આર્મી મેન છે અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
આ પણ વાંચો: રાયખડ: બાળકીના અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી દબોચ્યો
પકડાયેલ આરોપીનું નામ ભરત પ્રજાપતિ છે અને આ આરોપીએ સાબરમતી જેલમાં વૃદ્ધ કેદીની હત્યા કરી હતી. આરોપી અગાઉ ભારતીય આર્મીમાં મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે ફરજ બજાવતો હતો. ફરજ દરમ્યાન તેને એક વ્યક્તિની હત્યા કરી હતી જેના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. આરોપીએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર 4માં 22મી મેના રોજ સવારે કેશાભાઈ પટેલ નામનાં 71 વર્ષીય કેદી સુતા હતા ત્યારે આ આરોપીએ તેના માથામાં ઈંટ મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. બન્ને કેદીઓ વચ્ચે ઉંઘવા બાબતે થયેલી તકરારમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેલમાં હત્યા કરવાના કેસમા રાણીપ પોલીસે IPCની કલમ 303 મુજબ ગુનો નોંધી આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Monsoon 2024: આાગમી 5 દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત પ્રજાપતિ મૂળ ગાંધીનગરનો માણસાનો રહેવાસી છે અને આર્મીમાં ફરજ બજાવતો હતો. આરોપી માનસિક જનુની હતો. જેથી થોડા વર્ષો પહેલા આર્મીમાં ફરજ દરમ્યાન એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ હત્યામાં આર્મી કોર્ટ દ્વારા 6 જુલાઈ 2023માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. છેલ્લાં 10 મહિનાથી ભરત પ્રજાપતિ જેલમાં કેદ હતો. અગાઉ 13 જાન્યુઆરી 2024ના રોજ પણ આરોપી ભરત પ્રજાપતિએ એક કેદી સાથે ઝઘડો થતાં કેદીને માથામાં પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી. જોકે બાદમાં જેલ તંત્રએ તેની બેરેક બદલી દીધી હતી. આરોપી વિરુદ્ધ વધુ એક હત્યાનો ગુનો નોંધાતા રાણીપ પોલીસે આર્મી કોર્ટમાંથી પરવાનગી મેળવીને અંતે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી છે. મૃતક કેશાભાઈ પટેલ સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં તેને 5 વર્ષની કેદની સજા થઈ હતી. હાલમાં રાણીપ પોલીસે હત્યાના ગુનામાં આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.