November 22, 2024

ICUમાં દાખલ કરાયાની વાતોને સ્વયં રતન ટાટાએ આપ્યો રદિયો, કહ્યું કેમ આવ્યા હોસ્પિટલ?

Ratan Tata Health Update: જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાને લઈને એક મોટા સમાચાર સોમવારે આવ્યા, ત્યારબાદ, સમગ્ર બિઝનેસ સેક્ટરમાં હલચલ મચી ગઈ. વાસ્તવમાં, સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે રવિવારે મોડી રાત્રે અચાનક રતન ટાટાની તબિયત લથડી હતી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વાયરલ સમાચારો વચ્ચે, 86 વર્ષીય ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચોખવટ કરી છે કે તેમને કોઈ ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. તેણે લખ્યું, ‘હું બિલકુલ ઠીક છું.’

ખબરોને ગણાવી માત્ર અફવા
રતન ટાટાએ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના હોસ્પિટલ આવવાનું કારણ જણાવ્યું છે. તેમણે લખ્યું, ‘હું મારા સ્વાસ્થ્યને લઈને તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ તમામ દાવાઓ પાયાવિહોણા છે.’ તેણે કોઈ ગંભીર બીમારીના કારણે મુંબઈની હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને અફવા ગણાવી છે.

રતન ટાટાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ લખ્યું કે તેઓ કોઈ ગંભીર બીમારીને કારણે નહીં, પરંતુ ઉંમર સંબંધિત અન્ય બીમારીઓને કારણે મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલ આવ્યા હતા. તેમણે પોતાની એક્સ-પોસ્ટમાં લખ્યું, ‘ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું સ્વસ્થ છું અને જનતા અને મીડિયાને વિનંતી કરું છું કે ખોટી માહિતી ફેલાવવાનું ટાળે.’

રાત્રે ICUમાં દાખલ કરાયાંની ઊડી હતી અફવા
આ પહેલા, રતન ટાટાને લઈને વાયરલ થયેલા સમાચારોમાં કહેવામાં આવી રહ્યું હતું કે કોઈ બીમારીના કારણે તેમને રવિવારે રાત્રે 12:30 થી 1:00 વાગ્યાની વચ્ચે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ ગયું હતું, જેના કારણે તેમને ડોકટરો દ્વારા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ વાયરલ સમાચારો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા રતન ટાટાએ અફવાઓને લઈને ચોખવટ કરી છે.