સતત આઠમી વાર રેપો રેટ યથાવત્, EMIમાં નહીં થાય કોઈ ફેરફાર
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠક બાદ રેપો રેટને વર્તમાન દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. દર નિર્ધારણ સમિતિએ સતત આઠમી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. બેંકોની EMI રેપો રેટ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન હોવાથી એ નક્કી કરવામાં આવ્યું છે કે, તમારી બેંક લોનની EMIમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
એમપીસીની બેઠક 5 જૂનથી 7 જૂન સુધી ચાલી હતી
અગાઉ ભારતીય રિઝર્વ બેંકની (RBI) વ્યાજદર નિર્ધારણ સમિતિએ આગામી નાણાકીય નીતિ નક્કી કરવા માટે બુધવારે ત્રણ દિવસીય બેઠક શરૂ કરી હતી. આ મીટિંગ 5 જૂનથી શરૂ થઈ હતી અને 7 જૂન, 2024 એટલે કે આજે સુધી ચાલી હતી. એમપીસીની બેઠકમાં છમાંથી ચાર સભ્યો વ્યાજદર સ્થિર રાખવાની તરફેણમાં હતા.
નાણાકીય વર્ષ 2025માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.2% રહેવાનો અંદાજ છે
MPCના નિર્ણયની જાહેરાત કરતા RBI ગવર્નરે કહ્યું કે, વાસ્તવિક GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ 25માં 7.2% રહેવાનો અંદાજ છે. જે અગાઉના અંદાજ 7% કરતાં વધુ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં સ્થિર ખર્ચ સાથે ખાનગી વપરાશમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રોકાણ પ્રવૃત્તિઓની ગતિ ચાલુ છે.
RBI ગવર્નરે કહ્યું – સેન્ટ્રલ બેંક મોંઘવારી દરને 4% પર લાવવા માટે પ્રતિબદ્ધ
RBI ગવર્નરે કહ્યું કે, મોંઘવારી ઘટાડવામાં MPCની ભૂમિકા મહત્વની છે. દાસે કહ્યું કે, હાલમાં ગરમીના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંક ફુગાવાને ટકાઉ ધોરણે 4%ના લક્ષ્યાંક પર પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
ફુગાવાના દર પર નજર રાખવાની જરૂર છે: શક્તિકાંત દાસ
તેમણે એલપીજીના ભાવમાં થયેલા ઘટાડા માટે ઈંધણના ભાવમાં ઘટાડો થવાનું કારણ ગણાવ્યું હતું. વધુમાં તેમણે ખાદ્યપદાર્થોની વધતી કિંમતોના વૈશ્વિક વલણ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ વ્યાપક બજારમાં ફેરફારોને પ્રતિબિંબિત કરી શકે છે. તેમણે કહ્યું કે, ખાદ્યપદાર્થોની કિંમતોમાં અનિશ્ચિતતા પર નજર રાખવાની જરૂર છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, પ્રવાહિતા પર નિર્ણય જરૂરિયાત મુજબ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, કોર ફુગાવાના દર પર નજર રાખવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયામાં ઓછી વોલેટિલિટી જોવા મળશે. Q2FY25 માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.9%થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે.