બોટાદ કોટન માર્કેટિંગ યાર્ડમાં 1.25 લાખ મણ કપાસની રેકોર્ડ બ્રેક આવક
અશ્વિન મકવાણા, બોટાદ: બોટાદ શહેરના કોટન માર્કેટિંગ યાર્ડમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. નાના મોટા 2000 જેટલા વાહનોમાં 1.25 લાખ મણ કપાસની આવક થઈ રહી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડની ઓળખ છે કે રોકડ વ્યવહાર. ત્યારે હાલની આવક સામે રોજ આશરે 25 કરોડ જેટલી રકમ ચૂકવામાં આવે છે. 1200 થી લઈ 1500 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. યાર્ડના પારદર્શક વ્યવહારથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
બોટાદ શહેરમાં આવેલ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે. અહીં બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ અહીં આવી પોતાનો કપાસ વેચે છે. કારણ કે, અહીં ખરો તોલ અને રોકડ વ્યવહારથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ઓળખ ધરાવે છે. ત્યારે, હાલ દિવાળીનો તહેવાર નજીક આવતો હોય જેને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નાના મોટા 2000 જેટલા વાહનોમાં 1.25 લાખ મણ કપાસની આવક થઈ રહી છે.
ત્યારે, દર વર્ષે આ સમય દરમ્યાન સામાન્ય રીતે 1 લાખ મણની આસપાસ આવક થતી હોય છે. જેની સામે હાલ 1.25 લાખની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી રહી છે. આટલી મોટી સંખ્યામાં આવક થતા રોજ આશરે 25 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવામાં આવે છે. તેમજ અહીં આવનાર ખેડૂતોમાં પણ હાલ 1200 થી 1500 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે. તેમજ ખેડૂતોના જણાવ્યા મુજબ આટલી આવક છતાં રોકડ રકમ મળે છે.
તેમજ બોટાદ યાર્ડના કર્મચારીઓ દ્વારા પણ સારો સહકાર મળતા કોઈ ખેડૂતોને અગવડ પડતી નથી અને ગમે તેટલા વાહનો લઈ ખેડૂતો આવે તો તમામ ખેડૂતો સાથે સારો વ્યવહાર અને પારદર્શક વ્યવહાર થતા ખેડૂતો ખુશ છે. તો યાર્ડ ચેરમેન દ્વારા પણ આવકને લઈ ખુશી વ્યક્ત કરવામાં આવી છે.