September 8, 2024

રિકી પોન્ટિંગને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પદેથી હટાવાયા, જાણો કારણ

Ricky Ponting: આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સના ખરાબ પ્રદર્શન બાદ મુખ્ય કોચ રિકી પોન્ટિંગની ટીકા થઈ રહી છે. શનિવારે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ છેલ્લા સાત વર્ષથી ટીમનો ભાગ હતા. ફ્રેન્ચાઇઝી સાથે તેમના લાંબો કાર્યકાળ હોવા છતાં પોન્ટિંગ ક્યારેય ટીમને ટાઇટલ જીતવી શક્યા નહોતા. આઈપીએલની તાજેતરમાં સમાપ્ત થયેલી 17મી આવૃત્તિમાં પણ દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહીને પ્લે-ઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી.

દિલ્હી કેપિટલ્સે ટ્વિટ કરીને માહિતી આપી
દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી રિકી પોન્ટિંગને મુખ્ય કોચ પદ પરથી હટાવવાની જાણકારી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ લખ્યું,”7 સિઝન પછી દિલ્હી કેપિટલ્સે રિકી પોન્ટિંગ સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે એક શાનદાર સફર રહ્યો છે, કોચ! દરેક વસ્તુ માટે તમારો આભાર.”

ગાંગુલી સંભાળશે પદ?
રિકી પોન્ટિંગને પદ પરથી હટાવ્યા બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે કોને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ બનાવવામાં આવશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સૌરવ ગાંગુલીને આ જવાબદારી આપવામાં આવી શકે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી, જેમણે પોન્ટિંગના કાર્યકાળ દરમિયાન દિલ્હી કેપિટલ્સમાં સલાહકારની ભૂમિકા ભજવી હતી, તે ઓસ્ટ્રેલિયન કોચની બરતરફી બાદ ખાલી પડેલ પદ સંભાળે તેવી શક્યતા છે. જોકે આ અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.