પાટણમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં પ્રવેશવાનો અને બહાર જવાનો માર્ગ બંધ
Rainfall in Patan: પાટણ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે સાર્વત્રિક મેઘ મહેરને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. પાટણ શહેરના પ્રવેશ દ્વાર સમાન રેલ્વે ઘરનાળામાં પાણી ભરાતા શહેરમાંથી બહાર જવાનો અને અંદર આવવાનો માર્ગ બંધ થતા ભારે હાલાકીઓનો સામનો વાહન ચાલકોને કરવો પડયો હતો. વાહનચાલકોને હાઇવે માર્ગ ઉપર જવા માટે લાંબુ અંતર કાપીને જવાની ફરજ પડી હતી. તો રાહદારીઓ જીવના જોખમે કેડ સમા પાણીમાં રેલવે ગરળામાંથી પસાર થઈને જતા જોવા મળ્યા હતા.
બીજી તરફ પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થવા પામી છે. જેને લઇને ઠેર-ઠેર પાણી ભરાયા છે. માર્ગો ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છીન્ડિયા દરવાજા અને ડોક્ટર હાઉસ તરફ જવાના બંને માર્ગો પાણીમાં ગળકાવ થતા વાહન વ્યવહાર સહિત રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને માર્ગ ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાવતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા છે. આ વિસ્તારમાં 50થી વધુ સોસાયટીઓ આવેલી છે જેના રહીશોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
પાટણમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાય છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા જાણે માર્ગ ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના ઝવેરી બજાર, ફુલ બજાર સહિતના માર્ગો ઉપર પાણી ભરાતા વેપારીઓ સહિત રાહદારીઓને ભારે હાલાકીયો વેઠવી પડી હતી. માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાને કારણે જાહેર માર્ગો પર વેપારીઓએ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થવા પામી છે. વરસાદી આંકડાઓ પણ નજર કરીએ તો સાંતલપુર તાલુકામાં 1.5 ઇંચ, રાધનપુર તાલુકામાં 5mm, સિદ્ધપુરમા 1 ઇંચ, પાટણમાં 2.5 ઇંચ, હારીજમાં 9 mm, સમી તાલુકામા 1 ઇંચ, ચાણસ્મા તાલુકામાં 13 mm, શંખેશ્વર તાલુકામાં 1 ઇંચ જ્યારે સરસ્વતી તાલુકામાં 2.4 ઇંચ જેટલો વરસાદ થયો છે.