November 22, 2024

“બોલ માડી અંબે,જય જય અંબે”ના નાદ સાથે ઉમટી પડ્યું માઇભક્તોનું ઘોડાપુર

કમલેશ રાવલ, મહેસાણા: માં દુર્ગાના 51 શક્તિ પીઠો માંના એક અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. ત્યારે, મહેસાણા જિલ્લાના અંબાજી જતાં રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાવા લાગ્યા છે તો પદયાત્રીઓની સેવા અને સુવિધા માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો પણ શરૂ થઈ ગયા છે.

આજથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે અને માઇભક્તોએ અંબાજી તરફ પગપાળા પ્રયાણ શરૂ કરી દીધું છે. મહેસાણા જિલ્લા ઉપરાંત ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી ‘આરાસુર ગબ્બરના ગોખવાળી માં અંબાના ચરણે શીશ ઝુકાવવા અને માં અંબાના આશીર્વાદ મેળવવા માઇભક્તો અધિરા બન્યા છે. ભાદરવી પૂનમે માં અંબાના ચરણે શીશ ઝુકાવવા મહેસાણા જિલ્લામાંથી અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓએ લાખ્ખોની સંખ્યામાં પ્રયાણ કર્યું છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર માઇભક્તો “બોલ માડી અંબે,જય જય અંબે”ના નાદ સાથે માંને મળવાના ઉત્સાહ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.