May 12, 2024

વૈશ્વિક તણાવ પર પીએમ મોદીએ કહ્યું- ‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા’

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને સીરિયામાં તેના દૂતાવાસ પર હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયેલ પર 300 ડ્રોન છોડ્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે વૈશ્વિક દુશ્મનાવટ અને યુદ્ધના ડર વચ્ચે કેન્દ્રમાં એનડીએ માટે પ્રાથમિકતા સંઘર્ષ વિસ્તારોમાં સાથી ભારતીયોના જીવનને સુરક્ષિત કરવાની રહેશે. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોના વિમોચન વખતે વડા પ્રધાન મોદીએ પ્રચંડ બહુમત સાથે સત્તામાં પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આનાથી સરકારને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ મળશે અને વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવામાં મદદ મળશે.

પાર્ટીના ‘સંકલ્પ પત્ર’નું અનાવરણ કર્યા બાદ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના નેતાઓની એક બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના કેટલાક ભાગો ‘યુદ્ધ જેવી’ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આજે વિશ્વમાં અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. ઘણા ક્ષેત્રોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિશ્વ તણાવગ્રસ્ત છે. આવા સમયમાં આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પ્રાથમિકતા અને સર્વોચ્ચ કાર્ય બની જાય છે.”

પીએમ મોદીએ કહ્યું, “એવા સમયે જ્યારે વિશ્વભરમાં યુદ્ધનો ભય છવાઈ ગયો છે. ત્યારે સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત અને સ્થિર સરકારને ચૂંટવી વધુ જરૂરી છે. આપણી પાસે એવી સરકાર હોવી જોઈએ જે દેશને આર્થિક રીતે મજબૂત બનાવે.” આપણે વૈશ્વિક પડકારોનો સામનો કરીને ‘વિકસિત ભારત’ના અમારા અંતિમ ધ્યેય તરફ ઝડપથી આગળ વધવું જોઈએ, જેને સરકાર ફરીથી ચૂંટાય તો તે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

જો પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલાના સંદર્ભમાં જોવામાં આવે તો પીએમ મોદીની આ ટિપ્પણી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેના બીજા કાર્યકાળમાં પણ, જ્યારે સંઘર્ષના વિસ્તારોમાંથી પીડિત ભારતીયોને એરલિફ્ટ કરવાની વાત આવી, ત્યારે ભાજપની આગેવાની હેઠળની NDA સરકારે તાત્કાલિક પગલાં લીધા અને ભારતીયોને સુરક્ષિત રીતે દેશમાં પાછા લાવવામાં સફળ રહી.

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ સંપૂર્ણ સૈન્ય સંઘર્ષમાં વધ્યો હોવાથી યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા સ્થળાંતર મિશન શરૂ કરવામાં આવ્યું હતું. ‘ઓપરેશન ગંગા’ની જાહેરાત 26 ફેબ્રુઆરી, 2022ના રોજ કરવામાં આવી હતી અને તે 11 માર્ચ, 2022 સુધી હાથ ધરવામાં આવનાર હતી. આ મિશનના ભાગ રૂપે, વાયુસેનાના એરક્રાફ્ટ તેમજ ખાનગી ફ્લાઇટ્સે સંઘર્ષના વિસ્તારોમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે અનેક પ્રકારની કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશનના પરિણામે આશરે 25,000 ભારતીય નાગરિકો તેમજ અન્ય 18 દેશોના નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સમાન બચાવ યોજનામાં, ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર દ્વારા ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ડિસેમ્બર સુધી ‘ઓપરેશન અજય’ હેઠળ 1,309 ભારતીય નાગરિકો, 14 OCI કાર્ડ ધારકો અને ઇઝરાયેલના 20 નેપાળીઓને બચાવવામાં આવ્યા હતા.