October 8, 2024

માઈકલ જેક્સનની બાયોપિક બનાવવા માગુ છું પણ…સંદીપ રેડ્ડીનો ખુલાસો

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય નિર્દેશક છે. ભલે ઘણા લોકોએ તેના નિર્દેશનની ટીકા કરી હોય, પરંતુ તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. ટોલીવુડના ‘અર્જુન રેડ્ડી’ હોય કે બોલિવૂડના ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’. ત્રણ સુપરહિટ ફિલ્મો બાદ હવે સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સ્પિરિટ’નું પ્રી-પ્રોડક્શન કામ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે ત્રણ શાનદાર ફિલ્મો બનાવનાર સંદીપ રેડ્ડી વાંગાએ અત્યાર સુધી કોઈ બાયોપિક બનાવી નથી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે માઈકલ જેક્સનની બાયોપિકનું નિર્દેશન કરવા માંગે છે.

સંદીપે કહ્યું કે હું માઈકલ જેક્સનની બાયોપિક બનાવવા માંગુ છું. પરંતુ સવાલ એ છે કે માઈકલ જેક્સનની ભૂમિકા કોણ ભજવશે? જો મને માઈકલ જેક્સનનું પાત્ર યોગ્ય રીતે ભજવી શકે એવો અભિનેતા મળશે તો હું હોલીવુડનો સંપર્ક કરીશ અને આ ફિલ્મ અંગ્રેજીમાં બનાવીશ. તેના બાળપણના દિવસો તેનો સંઘર્ષ, તેણે પોતાનો રંગ બદલ્યો. તેની શાનદાર કારકિર્દી, તે એક મોટી સફર છે, એક મોટી વાર્તા છે. આ ફિલ્મ બનાવવાનું મારું સપનું છે અને મને ખાતરી છે કે જો આ ફિલ્મ બનશે તો દરેક તેની ટિકિટ ખરીદશે અને જો કોઈ બીજું આ ફિલ્મ બનાવે તો હું ચોક્કસ તેની ટિકિટ ખરીદીશ અને આ ફિલ્મ જોઈશ. કારણ કે હું પણ તેમના વિશે જાણવા માટે ઉત્સુક છું.

બોલિવૂડમાં સંદીપ રેડ્ડી વાંગાની સફળતા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની માંગ ઘણી વધી ગઈ છે. સાઉથ અને હિન્દી બંને ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ આ ફેમસ ડિરેક્ટર સાથે કામ કરવા આતુર છે. સંદીપ ઘણી સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છે. પ્રી-પ્રોડક્શનનું કામ પૂરું થતાં જ સંદીપ રેડ્ડી વાંગા પ્રભાસ સાથે ‘સ્પિરિટ’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જ સંદીપે આગાહી કરી છે કે પ્રભાસની આ ફિલ્મ પહેલા દિવસે જ 150 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે.