વરસાદમાં અમરેલીના રસ્તા બન્યા બિસ્માર, ‘ડિસ્કો’ રસ્તાથી વાહનચાલકો પરેશાન
દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામા ચોમાસામાં રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું હોય તેમ ખરબચડો માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે અંબાજી – પીપાવાવ સ્ટેટ હાઇવે પરનો સાવરકુંડલા થી અમરેલી જવાનો માર્ગ કમરતોડ બની ગયો છે ને બે બે ફૂટના ખાડા પડી જતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ રોડ વહેલી તકે નવો બનાવવા માંગો ઉઠવા પામી છે.
અમરેલી જિલ્લાના અંબાજી પીપાવાવ સ્ટેટ હાઇવે પરનો સાવરકુંડલાથી અમરેલી જવાનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય દિવસથી ખખડધજ થઈ ગયો છે. સાવરકુંડલાથી અમરેલી જવાનો આ રસ્તો ભારે વરસાદ બાદ બિસ્માર બની ગયો છે અને પીપાવાવ તરફથી આવતા ભારે વાહનો અને કંન્ટેનરો તેમજ ટ્રેકના કારણે ડામર સ્ટેટ હાઇવે પરથી બહાર આવી ગયા છે. એટલું જ નહીં અનેક સ્થળે તો ડામરનું નામ નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની જતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પડવાથી માર્ગ પર બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને વરસાદ પડે ત્યારે પાણીના ખાબોચિયાં ભરાવાથી ટુ વ્હીલ વાહનો અકસ્માતે ખાબકી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યુ હોય છે અને વાહન ચાલકોને પાળાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
અમરેલી જિલ્લામાં ચોમાસા માં સ્ટેટ હાઇવે રોડ અને રસ્તા બિસ્માર બનતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે સાવરકુંડલા થી અમરેલી જવા માટેનો એક મુખ્ય માર્ગ તૌબા પોકારી ઉઠે તેવી બની ગયો છે. ત્યારે, સાવરકુંડલાથી જીકયાળી, ધજડી, ભાડ, વાકિયા સહિત ગ્રામીણ માર્ગ પણ ખરબચડો બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહિ કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે.