September 24, 2024

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે નક્સલી ઠાર

Chhattisgarh Naxalites Killed: છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચિંતાવાગુ નદીના કિનારે જંગલમાં એક અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા. તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે.

ફાઇલ ફોટો

નક્સલવાદીઓ તેમના સાથીઓના મૃતદેહોને લઇ જવામાં સફળ રહ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવારે જિલ્લા દળ, જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનની સંયુક્ત ટીમ કરકનગુડા અને નજીકના ગામોમાં નક્સલ વિરોધી કામગીરી માટે રવાના કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન ચિંતાવાગુ નદીના કિનારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગઈ રાતથી સવાર સુધી અથડામણ ચાલી હતી, જેમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે ચિંતાવાગુ નદીમાં પુષ્કળ પાણી અને નક્સલવાદીઓના સતત ગોળીબારને કારણે નક્સલવાદીઓ તેમના સાથીઓના મૃતદેહને લઈ જવામાં સફળ રહ્યા હતા.

સ્થળ પરથી આ વસ્તુઓ મળી આવી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર પછી, જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે નક્સલવાદીઓ દ્વારા છોડવામાં આવેલી મોટી માત્રામાં સામગ્રી મળી આવી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સુરક્ષિત રીતે કેમ્પમાં પરત ફર્યા છે અને વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાનમાં સુરક્ષા દળોને સતત સફળતા મળી રહી છે. સોમવારે, પ્રદેશના નારાયણપુર જિલ્લામાં એક અથડામણમાં સુરક્ષા દળો દ્વારા એક મહિલા નક્સલવાદી સહિત ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: બાળકોની જાતીય સતામણી મામલે SCની લાલ આંખ, કહ્યું- તમામ રાજ્યો કેન્દ્ર સરકારની ગાઇડલાઇન લાગુ કરે

આ વર્ષે 150થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા
નોંધનીય છે કે, સોમવારે નારાયણપુર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, સુરક્ષા દળોએ બસ્તર ક્ષેત્ર સહિત સાત જિલ્લાઓમાં અલગ-અલગ એન્કાઉન્ટર પછી 157 નક્સલવાદીઓના મૃતદેહ મેળવ્યા છે.