November 24, 2024

દેશની અનેક CRPF સ્કૂલોને મળી બોમ્બની ધમકી, સ્કૂલ વહીવટી તંત્રને મળેલા ઇ-મેઇલથી હડકંપ

CRPF Schools Bomb Threats: દેશમાં CRPF દ્વારા સંચાલિત ઘણી શાળાઓને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર આવી ગઈ છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે દિલ્હીમાં અને એક હૈદરાબાદમાં છે. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની ધમકીઓ મળી રહી છે. જેના કારણે વિવિધ એરલાઈન્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇમેઇલથી મળી સ્કૂલોને મળી ધમકી
પોલીસે જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી. ઉલ્લેખનીય છે કે આ ધમકીઓ દિલ્હીના રોહિણી સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદ મળી હતી. બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્બની ધમકીઓની તપાસ કરી રહી છે અને હાઈ એલર્ટ પર છે.

દિલ્હી બ્લાસ્ટની ખાલિસ્તાન એંગલથી થઈ રહી છે તપાસ
દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.