September 17, 2024

શેખ હસીનાએ દેશ છોડ્યો… આ શબ્દ ભારે પડ્યો! પાકિસ્તાન સાથે કનેક્શન

Bangladesh Razakar: બાંગ્લાદેશમાં હાલ સ્થિતિ ખુબ જ ખરાબ છે. દુનિયાના ઘણા દેશોએ પોતાના નાગરિકોને બાંગ્લાદેશ ન જવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં જુલાઈમાં વિદ્યાર્થી જૂથોએ વિરોધ શરૂ કર્યા પછી શરૂ થયેલી હિંસામાં 300 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. રવિવાર સાંજથી સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, રેલવેએ તેમની સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને દેશનો કાપડ ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો હતો. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી અને સોમવારથી ત્રણ દિવસની જાહેર રજા પણ જાહેર કરી હતી. જોકે આ દરમિયાન બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના ઘર સુધી દેખાવકારો ઘૂસી ગયા હતા અને તેમને દેશ છોડીને ભાગવાની ફરજ પડી છે.

બાંગ્લાદેશમાં હિંસા કેવી રીતે શરૂ થઈ?
આ વાત વર્ષ 1971 થી શરૂ થાય છે. આ તે વર્ષ હતું જ્યારે બાંગ્લાદેશને મુક્તિ યુદ્ધ પછી પાકિસ્તાનથી આઝાદી મળી હતી. એક વર્ષ પછી 1972માં બાંગ્લાદેશ સરકારે સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપી. આ આરક્ષણ સામે બાંગ્લાદેશમાં હાલમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ જૂનના અંતમાં શરૂ થયો હતો અને હિંસક નહોતો. જોકે આ વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે મામલો વધી ગયો. 15 જુલાઈના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પોલીસ અને સત્તાધારી અવામી લીગ દ્વારા સમર્થિત વિદ્યાર્થી સંગઠન સાથે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: શેખ હસીના બાંગ્લાદેશથી આવી શકે છે ભારત! જાણો ક્યાં રોકાશે

બીજા દિવસે પણ બાંગ્લાદેશમાં હિંસા ચાલુ રહી અને ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા. 16 અને 17 જુલાઈના રોજ વધુ અથડામણો શરૂ થઈ અને અર્ધલશ્કરી દળોને મુખ્ય શહેરોની શેરીઓમાં પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા. 18 જુલાઈના રોજ ઓછામાં ઓછા વધુ 19 લોકોના મોત થયા હતા. જ્યારે 19 જુલાઈના રોજ 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ આ હિંસક આંદોલનને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે સવાલ એ થાય છે કે જો 1972માં અનામત આપવામાં આવી હતી તો હવે આંદોલન કેમ થઈ રહ્યું છે?

1972 થી કાર્યરત આ અનામત પ્રણાલીને સરકારે 2018 માં નાબૂદ કરી હતી. જૂનમાં હાઈકોર્ટે સરકારી નોકરીઓ માટે અનામત પ્રથાને પુનઃસ્થાપિત કરી હતી. કોર્ટે અનામત પ્રથાને ખતમ કરવાના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવ્યો હતો. કોર્ટના આદેશ બાદ દેશમાં ભારે વિરોધ શરૂ થયો હતો. જોકે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સરકારની અપીલ બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને સ્થગિત કરીને કેસની સુનાવણી માટે 7મી ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.

‘રઝાકાર’ શબ્દ અને બાંગ્લાદેશ સળગ્યું
જ્યારે વડાપ્રધાન હસીનાએ કોર્ટની કાર્યવાહીને ટાંકીને પ્રદર્શનકારીઓની માંગણીઓ પૂરી કરવાનો ઇનકાર કર્યો ત્યારે મામલો વધુ વકર્યો. સરકારના આ પગલાથી વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ ઉગ્ર બનાવ્યો છે. વડાપ્રધાને વિરોધીઓને ‘રઝાકાર’ કહ્યા. અને અહીંથી મામલો વધુ વણસ્યો. ખરેખરમાં બાંગ્લાદેશના સંદર્ભમાં રઝાકારો તે છે જેમના પર 1971માં દેશ સાથે દગો કરવાનો અને પાકિસ્તાની સેનાને સમર્થન આપવાનો આરોપ હતો. આમ વડાપ્રધાને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રઝાકાર ગણાવ્યા અને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો જે બાદ બાંગ્લાદેશ ભળકે બળવા લાગ્યું, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને દેશ સાથે દગો કર્યાના આક્ષેપ જરા પણ પસંદ આવ્યો નહીં અને તેમણે શેખ હસીના સામે મોર્ચો માંડયો. આજે બાંગ્લાદેશમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે, દેશના વડાપ્રધાને અન્ય દેશમાં આશરો લેવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: માતા-પિતા સહિત ત્રણ ભાઈની હત્યા, બેવાર મોતને હાથતાળી દેનારી શેખ હસીનાની કહાણી

બાંગ્લાદેશની આરક્ષણ પ્રણાલી કઈ છે જેના પર હોબાળો મચ્યો છે?
વિરોધના કેન્દ્રમાં બાંગ્લાદેશની આરક્ષણ પ્રણાલી છે. આ સિસ્ટમ હેઠળ સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં 30% અનામતની જોગવાઈ હતી. બાંગ્લાદેશની આરક્ષણ પ્રણાલી, 1972 માં રજૂ કરવામાં આવી હતી, ત્યારથી તેમાં ઘણા ફેરફારો થયા છે. 2018માં જ્યારે તેને નાબૂદ કરવામાં આવ્યું ત્યારે વિવિધ વર્ગો માટે 56% સરકારી નોકરીઓમાં અનામત હતી. સમયાંતરે કરાયેલા ફેરફારો દ્વારા, મહિલાઓ અને પછાત જિલ્લાઓના લોકો માટે 10-10 ટકા આરક્ષણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ધાર્મિક લઘુમતીઓ માટે પાંચ ટકા અને વિકલાંગ ક્વોટા માટે એક ટકા અનામત આપવામાં આવી હતી. જોકે હિંસક વિરોધ વચ્ચે 21 જુલાઈના રોજ બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં મોટાભાગના આરક્ષણોને સમાપ્ત કર્યા.

અનામત પર સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય?
21 જુલાઈના રોજ, સર્વોચ્ચ અદાલતે તમામ સિવિલ સર્વિસની નોકરીઓ માટે આરક્ષણ ફરી શરૂ કરીને નિર્ણયને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે માત્ર પાંચ ટકા નોકરીઓ સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે અનામત રહેશે. આ સિવાય બે ટકા નોકરીઓ લઘુમતીઓ અથવા વિકલાંગો માટે અનામત રાખવામાં આવશે. બાકીની જગ્યાઓ માટે, કોર્ટે કહ્યું કે આ મેરિટના આધારે ઉમેદવારો માટે ખુલ્લી રહેશે. એટલે કે 93 ટકા ભરતી બિન અનામત ક્વોટામાંથી થશે.