September 19, 2024

જામનગરમાં બે સ્થળે યોજાશે શ્રાવણી મેળા, 1.66 કરોડમાં થઈ પ્લોટસની હરાજી

સંજય વાઘેલા, જામનગર: બાળકો તથા મોટેરાઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી દરમિયાન મેળાઓનું આયોજન થતું હોય છે જેમાં જામનગરમાં પણ આ વખતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના જન્માષ્ટમીના મેળામાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકો સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

જામનગરમાં આ વખતે 20મી ઓગસ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના મેળાની શરૂઆત થશે જે 15 દિવસ સુધી ચાલશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતના શ્રાવણી મેળામાં પ્લોટની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ પ્લોટની હરાજીમાં જામનગર મહાનગરપાલિકાને રૂપિયા એક કરોડને 66 લાખ રૂપિયાની આવક થઈ છે. સાથે જ પ્લોટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે.

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બે સ્થળે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળો ભરાય છે. બંને સ્થળોએ સીસીટીવી, ફાયર સેફ્ટી, આરોગ્યની ટીમ ખડેપગે રહેશે. જામનગર મેયરે લોકોને મેળાનો આનંદ માનવા માટે જણાવ્યું છે. સાથે જ તેઓએ જણાવ્યું કે આ વખતે મનપા દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને મેળામાં પણ સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. એકઝીટ ગેટમાં વધારો કરવામાં આવ્યો છે. વધુ ભીડ થાય તો મનપાની ટીમ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાંમાં આવશે.