અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું ભવ્ય આયોજન કરાશે
અંબાજી: આગામી 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું ભવ્ય આયોજન કરાશે. જેમાં પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ છે.
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું આયોજન કરાશે.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયું છે.
જિલ્લા કક્ષાની 20 સમિતિઓ, 750થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કામદારો ખડેપગે ફરજ બજાવશે અને શ્રદ્ધાળુઓ 2.5 કિ.મી ત્રિજ્યામાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ મેળવશે. 1700થી વધુ સંઘો, સાધુ-સંતો, ધાર્મિક આગેવાનોને તથા ગુજરાત મુખ્યમંત્રીને પણ કાર્યક્રમમાં સામેલ થવા મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ અપાયું છે.