રાજ્યવ્યાપી સર્વેયરોની હડતાળ, જામનગરમાં રીસર્વેની કામગીરીને માઠી અસર
સંજય વાઘેલા, જામનગર: રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ એટલે કે, સર્વેયરોએ તેઓની 15 પેન્ડિંગ માંગણીઓના મુદ્દે તા.22 થી 30 જુલાઈ સુધી પેન ડાઉન જાહેર કરી દેતા રાજ્યના મંડળને અનુસરીને જામનગરની સિટી સર્વેની કચેરી-1 અને 2, ડીઆઈએલઆર અને એસએલઆર કચેરીઓના સર્વેયરો કામગીરીથી દુર રહેતા સિટી સર્વે કચેરીઓની નોંધણીની અને ખેતીની જમીનોની રીસર્વેની કામગીરીને અસર પહોંચવાનું શરુ થયું છે.
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા સરકારને રજુઆત કરીને તેઓના સિનિયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ 9300-4400-34800 કરવાની, સિનિયર સર્વેયર પોસ્ટનું નામ બદલીને સિરસ્તેદાર કરવા, લેન્ડ રી-સર્વેની કામગીરીમાં જે તે જિલ્લાના જ કર્મચારીઓને કામગીરી સોંપવા, વર્ગ-3 સર્વેયરોની મંજુર થયેલી અને ખાલી રહેલી 816 જગ્યાઓ ભરવા, બીજા જિલ્લામાં રી-સર્વેની કામગીરી કરતા સર્વયેરોને પરત તેના જિલ્લામાં મોકલવા, ઉચ્ચત્તર પગાર ધોરણ યોજનાના પરિપત્ર મુજબ વિભાગોમાં 10, 20, 30 વર્ષનું પ્રથમ, બીજું અને ત્રીજું ઉચ્ચત્તર પગારધોરણ તાત્કાલિક મંજુર કરવા, મુસાફરી ભથ્થામાં વધારો કરવા સહિતની 15 માંગણીઓ મુકવામાં આવી હતી.
આ તમામ પેન્ડિંગ માંગણીઓ મામલે કોઈ પગલા નહીં લેવાતા તા.રરથી 30 જુલાઈ સુધી સર્વેયરોએ પેન ડાઉન જાહેર કરતાં જામનગરની સીટી સર્વેની 1 કચેરીમાં દસ્તાવેજોની ફેફફાર નોંધ, પ્રોપર્ટી કાર્ડની કામગીરી, ગ્રામ્યમાં ચાલી રહેલી સ્વામીત્વ યોજનાની કામગીરી, – ગામ નમુનાના દાખલા કાઢી આપવાની – કામગીરી અને ખાસ કરીને લેન્ડ રીસર્વેની કામગીરીને અસર થવા પામી છે. સર્વેયરોના રાજ્ય વ્યાપી સંગઠનની રજુઆતો અને પેન ડાઉન બાદ પણ પ્રશ્ન નહીં ઉકલે તો કર્મચારી સંગઠન હડતાલના માર્ગે જવા તૈયાર હોવાનું જાણવા મળે છે.