November 22, 2024

ગૃહિણીથી સરકારી ઓફિસર સુધીની સફર, અસંખ્ય મુશ્કેલીઓ છતાં આજે છે સફળ

કાજલ મારૂ, અમદાવાદ: સફળતાનો સ્વાદ સરળતાથી નથી મળતો. સફળતા મેળવવા માટે તો અથાગ મહેનત અને મનને હંમેશા મક્કમ રાખવું પડે છે. આ વાક્યને કચ્છના શિલ્પાબેન સંઘરે સાર્થક કરી બતાવ્યું છે. 2012માં પ્રથમ વખત ઘરની બહાર નિકળીને નોકરી કરવાનો પ્રયત્ન કર્યો. નોકરીની સાથે ભણતરની ફરીથી શરૂ કર્યું. એ સમયે માત્ર આગળનો અભ્યાસ પૂર્ણ કરવાનું જ સપનું હતું. સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થયા એ બાદ ક્લાસ 2 અને 3 ના ઓફિસર બનવા માટે પરીક્ષાઓ આપી. સફળતા મળી, પરંતુ ભણતર ઓછું હતું એટલે સફળતાનો સ્વાદ ચાખવા ન મળ્યો. તેમણે ફરી MSWનું ભણવાનું ચાલુ કર્યું. આ સાથે જ બિમારીની ઝપેટમાં આવ્યા. તેમ છતાં પણ પોતાના લક્ષ્યને છોડ્યા વિના તમામ મુશ્કેલીઓ સામે લડતા રહ્યા અને અંતે સફળતા મેળવી.

શિલ્પાબેન તમે નોકરીની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી?
મારા લગ્ન 2006માં થયા એ બાદ હું ઘરમાં નાનું મોટું બ્યૂટી પાર્લરનું કામ કરતી હતી, પરંતુ મારો અભ્યાસ પુરો થયો ન હોતો. આથી મનમાં ક્યાંક ને ક્યાંક ફરીથી ભણવાનું શરૂ કરવાની ઈચ્છા હતી. તેમ છતાં 6 વર્ષ સુધી ઘરની બહાર નોકરી જવાનું શક્ય ન થઈ શક્યું. એ બાદ વર્ષ 2012માં મને ICDSમાં આંગણવાડી વર્કરની જગ્યા ખાલી હોવાની જાણ થઈ. મે તેમાં અરજી કરી અને નોકરી મળી ગઈ.

નોકરી શરૂ કર્યા બાદ તમારું આગળ ભણવાનું સપનું સાકાર થયું?
જી હા, નોકરી કરતાની સાથે સાથે મે ગ્રેજ્યુએશ પૂર્ણ કર્યું. જે બાદ મને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા થઈ. આથી મે ICDS વિભાગમાં આવતી ક્લાસ – 2 સી.ડી.પી.ઓ અને ક્લાસ 3 મુખ્યસેવિકાની પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી.

સરકારી નોકરી મેળવવાની સફર તમારી કેવી રહી?
ખુબ જ કઠિન કહી શકાય. મે સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવિકાની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. પરીક્ષાઓ આપી જેમાં હું ક્લાસ 2 સી.ડી.પી.ઓની પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી. એ બાદ જ્યારે સર્ટિફિકેટ વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે મારી શૈક્ષણિક યોગ્યતા ઓછી પડી. આથી એવું લાગતુ હતું કે કોઈએ મીઠાઈ તો હાથમાં આપી પણ ખાવા ન આપી. એ સમયે મે નક્કી કર્યું કે હવે તો કંઈ પણ થાય હું સી.ડી.પી.ઓ બનીને જ રહીશ.

આ તૈયારીઓની વચ્ચે તમે બિમારીની પણ ઝપેટમાં આવ્યા હતા એ સમયે કેવી સ્થિતિ હતી?
જી, હા. સી.ડી.પી.ઓ બનવા માટે મે ફરી MSWનો અભ્યાસ શરૂ કર્યો. જે સમયે મારી MSWના પ્રથમ સેમેસ્ટની પરીક્ષા હતી. એ સમયે મને જાણ થઈ કે હું કેન્સરના ત્રીજા સ્ટેજ પર છું. મને બ્રેસ્ટ કેન્સર હતું. મેં MSWના અભ્યાસની સાથે સાથે કેન્સરની પણ સારવાર કરાવી. એક સમયે તો શરીરની પીડાથી હું ખુબ જ કંટાળી ગઈ હતી. મારી 5 વર્ષની દીકરી, મારા પતિ અને આખો પરિવાર મારી સાથે હતો. ઘરના દરેક સભ્યોએ મને હિમ્મત આપી અને સતત મારા સપનાને યાદ કરાવતા. બસ, એજ લોકોના સાથના કારણે મેં આજે કેન્સરને માત આપી છે.

તો હાલ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી ગયા છો?
હા, બિલકુલ. 2024માં આવેલા પરીક્ષાના પરિણામમાં મે ફરી સી.ડી.પી.ઓ.ની પરીક્ષા પાસ કરી છે. હાલ હું કચ્છના લખપત તાલુકામાં દયાપરમાં ICDSમાં ક્લાસ 2 અધિકારી તરીકેની ફરજ નિભાવું છું. મારુ સપનું ભણવાનું હતું. એ સપનું પુરૂ કરતા કરતા ક્લાસ 2 અધિકારીનું સપનું ક્યારે બની ગયું એની ખબર જ ના પડી. પરંતુ આ સપનાએ મને સતત હિમ્મત આપી. કેન્સરની ખુબ જ પીડા દાયક સારવાર કિમોથેરાપી કરાવ્યા બાદ પણ હું વાંચવાનું ચાલુ રાખતી. એ બિમારીના કારણે મારા વાળ પણ ખરી ગયા હતા. એ ઉપરાંત પણ અનેક શારિરીક તકલીફો થઈ હતી. તો પણ મને પરીક્ષા પાસ કરવાનું ઝુનુનુ હતું. ને આજે આ સ્થાન પર પહોંચી ગઈ છું.

અંતે તમે કોઈ સંદેશો મહિલાઓ કે કિશોરીઓને આપવા માંગો છો?
મારી નોકરીની સફર એ મારી પસંદગી હતી. આથી તેને સંબંધિત તો હું કોઈ સલાહ નથી આપવા માંગતી, પરંતુ હું સામાન્ય સંદેશા તરીકે એટલું જ કહેવા માંગીશ કે તમારા પિતા કે સાસરિયા પક્ષના લોકો ગમે તેટલા સધ્ધર અને સારી સ્થિતિમાં હોય. તો પણ એક સ્ત્રી તરીકે તમારે પગભર થવું જ જોઈએ. આર્થિક રીતે સ્વતંત્ર થવું એ દરેક મહિલાઓને પાંખો આપે છે.