December 4, 2024

શ્વાને બચકાં ભર્યા અને 15 લોકો હોસ્પિટલ ગયા, તો હડકવા વિરોધી રસી પણ ન મળી

સુરેન્દ્રનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનના આતંકની અનેક ઘટનાઓને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે, સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા કેટલાય સમયથી શ્વાનના હુમલાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે ધ્રાંગધ્રામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. ધ્રાંગધ્રામાં એક શ્વાને એક બે નહીં પરંતુ 15-15 જેટલા લોકોને બચકાં ભર્યા છે.

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્વાને 15 લોકોને બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. શહેરના વિસ્તારોમાં શ્વાન હડકાયું બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા અને હડકાયા થયેલા શ્વાને 15 જેટલાં લોકોને બચકા ભર્યાં હતા. તમામને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીની અછત હોવાથી ઈજાગ્રસ્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરકારી મુખ્ય ગાંધી હોસ્પિટલમાં પણ રસી ન હોવાને લઈ તમામ દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. હાલ તો નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને ના પકડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.