September 17, 2024

કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિક પોલીસની આકરી કાર્યવાહી, 66 રિક્ષાઓ ડીટેઈન કરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એ હદે વણસી છે કે ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે અવારનવાર ટકોર કરવી પડે છે છતા વાહનચાલકો ટ્રાફિક નિયમોને અનુસરતા નથી. જોકે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને અવારનવાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી નિયમો તોડનારા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવે છે. ત્યારે આજે શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રસ્તા વચ્ચે અડચણરૂપ અને પોતાની મનમાની પ્રમાણે મુસાફરો બેસાડતા ઓટો રિક્ષા ચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસે આકરી કાર્યવાહી કરી છે.

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રેલ્વે સ્ટેશન પાસે વધુ પેસેન્જર બેસાડી રિક્ષા, રોડ પર અડચણરૂપ ઉભી રિક્ષાઓ ડીટેઈન કરાઈ છે. ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં 66 જેટલી રિક્ષાઓ ડીટેઈન કરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: સ્વતંત્રતા દિવસે જ શાળામાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ

તમને જણાવી દઈએ કે, કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર રિક્ષાઓનો જમાવડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે આ રોડ પર મોટા ભાગે ટ્રાફિકજામની સમસ્યાઓ રહેતી હતી, સાથે જ રેલ્વેમાં મુસાફરી કરીને આવતા મુસાફરો પણ મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે આજે પોલીસે એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કાલુપુર રેલ્વે સ્ટેશ પાસે રિક્ષા અડચણરૂપ હોવાની ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી.