સુરતમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સારોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની કિશોરીને પાડોશમાં રહેતા 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્ર દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ કિશોરી સાથે 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્ર દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવતા કિશોરી ગર્ભવતી થઈ હતી. કિશોરીને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલ લઈ જતા સામે આવ્યું હતું કે કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ છે અને આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતા મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. પોલીસે આરોપી રાઘવેન્દ્ર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ મધ્યપ્રદેશથી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને દુખાવો થયા બાદ તેને પરિવારના સભ્યો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા કિશોરીને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું. તેથી ડોક્ટર દ્વારા આ બાબતે પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી અને પરિવારના સભ્યો 13 વર્ષની કિશોરી ગર્ભવતી હોવાની જાણ થતા થઈ ગયા હતા અને કિશોરીની પૂછપરછ કરતા પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે, પાડોશમાં જ રહેતા 21 વર્ષના ઈસમ રાઘવેન્દ્ર દ્વારા કિશોરીને કારમાં અવાવરું જગ્યા પર લઈ જાય તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના જ કારણે કિશોરી ગર્ભવતી થઈ હતી. આ બાબતે કિશોરીના પરિવારના સભ્યો દ્વારા સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ દાખલ થતાની સાથે જ 21 વર્ષે કાર ડ્રાઇવર રાઘવેન્દ્રસિંગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે ડ્રાઇવર રાઘવેન્દ્રસિંહ મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો છે. તેથી સારોલી પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશ તેના વતન તરફ ગઈ હતી અને આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં રાઘવેન્દ્ર દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે તેને સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કિશોરીને કારમાં બેસાડી હતી અને ત્યારબાદ આઉટર રીંગરોડ તરફ લઈ ગયો હતો. જ્યાં અવાવરૂ જગ્યા પર કાર ઉભી રાખી કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને આ શરીર સંબંધ બાંધવાના કારણે કિશોરીને ગર્ભ રહ્યો હતો.
માત્ર 13 વર્ષની કિશોરીને ગર્ભ રહી ગયો હોવાને લઈને કોર્ટમાં કિશોરીના ગર્ભપાત બાબતે મંજૂરી માગવામાં આવી હતી અને કોર્ટ દ્વારા કિશોરીની ઉંમર અને તેને પડતી તમામ તકલીફો અને પરિસ્થિતિના આધારે કિશોરીનું ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.