November 22, 2024

પાછોતરા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યાં, આવકમાં 50 ટકા ઘટાડો

સુરતઃ પાછોતરા વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. ખેડૂતોની દિવાળી બગડી ગઈ છે. ડાંગરની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે લાભ પાંચમના દિવસ સુધી 2.55 લાખ ગુણી ડાંગરની સહકારી મંડળીઓમાં આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે આજના દિવસ સુધી માત્ર 1.19 લાખ ગુણી ડાંગરની આવક થઈ છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસેલા સતત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત તો અત્યંત ખરાબ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગરની ખેતીમાં નંબર વન પર હોય છે. ભૂંડના ત્રાસના કારણે ઓલપાડ તાલુકાના લોકો શેરડી છોડી ડાંગરની ખેતી તરફ વળ્યા છે. પરંતુ સતત વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે વરસાદ અને વારંવાર કીમ નદીમાં આવેલા પૂરના કારણે ડાંગરના પાકમાં ભારે નુકશાન થયું છે અને જેને કારણે ચાલુ વર્ષે ડાંગરની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડાંગર પકવતા ખેડૂતોને ડાંગર પકવામાં વીઘા દીઠ લગભગ 15થી 16 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ગત વર્ષે વીઘા દીઠ ખેડૂતોને લગભગ 80થી 90 મણ ડાંગરની રાસ આવી હતી. પરંતુ ચાલુ વર્ષે સતત વરસાદ અને પાછોતરા વરસાદને કારણે ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. આ વર્ષે વીઘા દીઠ માંડ 30થી 35 મણ ડાંગરનો પાક બહાર આવી રહ્યો છે.

ખેડૂતોનું માનીએ તો 40 મણ ડાંગર પાકે ત્યાં સુધી તો તેમણે કરેલો ખર્ચ માંડ માંડ નીકળે છે. ત્યારે ચાલુ વર્ષે લગભગ 50 ટકા ડાંગરના પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાંગરના પાકમાં ઘટાડાને લઈ ચાલુ વર્ષે મંડળીઓમાં પણ ડાંગરની ખૂબ જ ઓછી આવક નોંધાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પુરુષોત્તમ ફાર્મર્સ અને જીનિંગ સહકારી મંડળીમાં ગત વર્ષે લાભ પાંચમ સુધી 2.55 લાખ ગુણીની આવક થઈ ચૂકી હતી. જ્યારે આ વર્ષે લાભ પાંચમ એટલે કે આજના દિવસ સુધી માંડ 1.19 લાખ ગુણી ડાંગરની આવક થઈ છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.