સુરતના પૂર્વ કોર્પોરેટર 300 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા, પાટીલે કહ્યું – સ્વાગત છે
સુરતઃ એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભરતીની સિઝન ચાલુ થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ મહિનામાં કોંગ્રેસના ઘણાં નેતાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે સુરત શહેરમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
AICCના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાયા છે. તેઓ સૌથી યુવા AICC સભ્ય છે. નિકેત પટેલના પિતા સુનીલ પટેલ પણ ભાજપમાં જોડાવવાના છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે કોંગ્રેસના 300 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.
ત્યારે આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યુ હતુ કે, ભાજપની વિચારધારા અને PM મોદીના નેતૃત્વમાં તમે ભાજપમાં જોડાઓ છો, તો તમારું સ્વાગત કરું છે. અનેક મહાસત્તાના રાષ્ટ્પતિ પણ કહે છે કે મોદી બોલે છે તે કરે છે. આવા મોદી સાહેબ આપણને મળ્યા છે. ત્યારે તેમની સાથે જોડાઈને દેશને મજબૂત કરીએ. આજદિન સુધીમાં જ્ઞાતિ-જાતિ અને પૈસાના જોરના આધારે ઇલેક્શન થતા હતા. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં જ્ઞાતિવાદના આધારે ચૂંટણી થતી હતી,
પણ આજે રાષ્ટ્રવાદ તેનાથી ઉપર આવી થયો છે, ભેદભાવ વગર આજે ચૂંટણી થાય છે.’
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘મોદીના નેતૃત્વમાં રામ મંદિર અને 360ની કલમ હટાવવા જેવા કાર્યો થયા છે. અનેક યોજનાઓથી યુવાનોને મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે. ખેડૂતોને સીધો લાભ મળે તે માટે અનેક યોજનાઓ બનાવી છે. દરેક નાના ખેડૂતના ખાતામાં 6000 નાખવાનું શરૂ કર્યું છે. રૂપિયા 2000 હજાર 3 વખત ખેડૂતોને કોઈ પણ અરજી કર્યા વગર મળે છે. તો આયુષ્યમાં ભારત યોજના અંતર્ગત 5 લાખની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારે પણ 5 લાખની મેડિકલ સહાય જાહેર કરી છે. ત્યારે કુલ 10 લાખની મેડીકલ સહાય લોકોને મળે છે.’
તેઓ વધુમાં કહે છે કે, ‘એકપણ વ્યક્તિ મકાન વગર ન રહે તે માટે પણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આર્થિક રીતે ગરીબ છે તેમને ગરીબીમાંથી બહાર લાવવા યોજના બનાવી છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ ગરીબ ગરીબીની રેખામાંથી બહાર આવ્યા તે રેકોર્ડ છે. તમે ગમે તે પાર્ટીમાં હતા પણ તમારામાં લોકો માટે કામ કરવાની ઈચ્છા હતી. તમે લોકોના કામ કરવાની લગની સાથે ભાજપમાં જોડાયા છો.’