November 27, 2024

ફ્લિપકાર્ટની નકલી વેબસાઇટ બનાવી 30 કરોડનું દેશવ્યાપી કૌભાંડ, 6 આરોપીની ધરપકડ

સુરતઃ Flipkart જેવી નકલી વેબસાઈટ બનાવી 30 કરોડથી વધુનું દેશવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. સરથાણા અને મોટા વરાછામાં 3 દુકાનો ભાડે રાખી રેકેટ ચાલતું હતું. આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી સાગર ખૂટ, આશિષ હડિયા, સંજય કાતરિયા, યસ સવાણી, પાર્થ સવાણી, દિલીપ પાઘડાળની ધરપકડ કરી છે.

આરોપીઓ કિચનવેરની જાહેરાત કરી નાણાં પડાવતા હતા. સાગર વિનુભાઈ ખુટ, પિયુષ ખુટ, આશિષ હડિયા મળી ફ્લિપકાર્ટની નકલી વેબસાઇટ બનાવી હતી. પોલીસે 137 ATM કાર્ડ, 98 કીટ, 9 ક્યૂઆર કોડ કબજે કર્યા હતા. આરોપીઓએ 19 નકલી વેબસાઈટ બનાવી હતી. ગુજરાત બહારના લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

શાતીર ટોળકીએ એકાઉન્ટ મારફતે facebook પર કિચનવેરની જાહેરાત કરતા હતા. લોકોને સાવ પાણીના ભાવે વસ્તુઓની ઓફર કરવામાં આવતી હતી. નાણાં મળતાંની સાથે જ વસ્તુ મોકલવામાં આવતી નહોતી. આરોપીઓ પાસેથી સીમકાર્ડ, બેન્ક એકાઉન્ટ અને ક્યૂઆર કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડેથી મેળવતા હતા. આ કામ માટે હિંમત ઘનશ્યામ વાઘેલાને રાખવામાં આવ્યો હતો.

આરોપી ભાવનગરના નારી ચાર રસ્તાએ જઈ લોકો પાસેથી આઠથી દસ હજારમાં એકાઉન્ટ ભાડે મેળવતો હતો. કીટથી ઓનલાઇન પેમેન્ટ માટે કયૂઆરકોડ બનાવવામાં આવતા હતા. ઘનશ્યામ અને સંજયના નામે તુલસી હાર્ડવેર અને તુલસી એન્ટરપ્રાઇઝના બિઝનેસ એકાઉન્ટમાં જમા લઈ ઉપાડી લેવાતા હતા. આરોપીઓ દર મહિને પાંચ લાખથી વધુની કમાણી કરતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી કૌભાંડ ચાલતું હતું. ઓર્ડર લઈને નાણાં પડાવી લેવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8.35 લાખની મત્તા જપ્ત કરી છે. મોટા વરાછા આઇટીસી બિલ્ડીંગના આઠમા માળે, મેરીટોન પ્લાઝાના ત્રીજા માળે અને પવિત્રા પોઇન્ટના પાર્કિંગમાં રહેલી બે કારમાં પોલીસે એકસાથે રેડ કરી હતી.