July 2, 2024

Surat: શાકભાજીના દુકાનદાર પાસે લાંચ માગનારા SMCના ફૂડ સેફટી ઓફિસરની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સરકારી ખાતામાં જો કોઈ વ્યક્તિને પોતાનું કામ કરાવવું હોય તો સરકારી બાબુ લોકો પાસેથી પૈસા એટલે કે લાંચની માગણી કરતા હોય છે. આવા લાંચિયા સરકારી બાબુ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ત્યારે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા શાકભાજીના વિક્રેતા પાસેથી લાઇસન્સ માટેની અરજી પર કામ કરવા માટે 45,000 રૂપિયાની લાંચ માગનારા સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગના ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે.

સુરતમાં શાકભાજી વેચવાની દુકાન ધરાવનાર એક વ્યક્તિ દ્વારા ફૂડ લાઇસન્સ માટે મહાનગરપાલિકામાં એક ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. આ અરજીના નિકાલની કાર્યવાહી કરવા અને ફૂડ લાઇસન્સ આપવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેનકુમાર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ નિશાર દ્વારા 45 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.

દુકાનદાર ઓફિસરને લાંચ આપવા માંગતો ન હતો તેથી તેને આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી અને અધિકારીઓ દ્વારા લાંચિયા ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કને પકડવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જ્યારે ફરિયાદી લાંચ આપવા માટે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાંચની કચેરી પર ગયો અને અધિકારીને લાંચ આપી તરત જ એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ નિશારની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં તથ્યકાંડ! હોન્ડા સિટીના ચાલકે 6 લોકોને ફંગોળ્યા, 2ના મોત

મહત્ત્વની વાત છે કે, હેમેનકુમાર ગોહિલનો પગાર 1,05,000 રૂપિયા છે અને ગુલામ નિશારનો પગાર 35 હજાર રૂપિયા છે. આટલો મોટો પગાર ધરાવનાર ફૂડ સેફટી ઓફિસર દ્વારા શાકભાજીના વિક્રેતા પાસેથી 45,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, ફૂડ સેફ્ટી ઓફિસર હેમેનકુમાર ગોહિલ દિવાળી પર અલગ અલગ દુકાનદારો પાસેથી હપ્તા પણ ઉઘરાવતો હતો અને જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર હપ્તો આપવાની ના પાડે તો ત્યાં ફૂડ સેફ્ટી અધિકારીઓની સાથે જઈને દુકાન પર રેડ કરવામાં આવતી હતી અને દુકાનના કોઈપણ સેમ્પલો હલકી ગુણવત્તાના હોવાનું દર્શાવીને તેના પર કેસ દાખલ કરવામાં આવતો હતો.

તો બીજી તરફ આ ઘટનાને લઈને એવી પણ માહિતી સામે આવી રહી છે કે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દુકાન, બેકરી, ફરસાણની દુકાનો તેમજ અલગ અલગ ડેરીઓના વિક્રેતાઓ પાસેથી વર્ષે 3,000, 4,000 અને 5,000 જેવું એક ફિક્સ અમાઉન્ટ લેવામાં આવતું હતું. જો કોઈ વ્યક્તિ પૈસા આપવામાં આનાકાની કરે અથવા તો ના પાડે તો તે દુકાન પર જઈને રેડ કરવામાં આવતી હતી અને દુકાનદાર સામે કાર્યવાહી કરી કેસ પણ કરવામાં આવતો હતો પરંતુ અધિકારીઓ એન્ટીકરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયા છે.