November 25, 2024

સુરતમાં મામાની હત્યા કરવા મામલે ભાણેજ સહિત ચાર આરોપીની ધરપકડ

Surat Four accused including Bhanej arrested in case of killing uncle

પોલીસે આ મામલે કુલ 4 લોકોની ધરપકડ કરી છે.

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના પૂણા વિસ્તારમાં સામે આવી છે. આ ઘટનામાં ભાણીયા દ્વારા જ મામાની હત્યા કરવામાં આવી છે. ભાવનગરના નસીતપુર ગામમાં રહેતી એક યુવતીને તેના ફોઈનો દીકરો ભગાડીને સુરત લાવ્યો હતો અને ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને લેવા સુરત આવતા ભાણીયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા વડે હુમલો કરી એક મામાની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે સગીર વયના હત્યારા સહિત કુલ ચારની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના નસીતપુર ગામમાં મનસુખભાઈ વાઘેલા તેના પરિવાર સાથે રહેતા હતા. મનસુખભાઈના નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેના ફોઈનો દીકરો ભગાડીને સુરત લાવ્યો હતો. ત્યારબાદ આ વાતની જાણ બાબુભાઈ વાઘેલાને થતા તેઓ પોતાની દીકરીની સુરતથી પરત લઈ ગયા હતા અને દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. જો કે, લગ્ન થયા બાદ અમુક કલાકો સુધી દીકરી નહીં મળતાં ભાણો ફરીથી માની દીકરીને ભગાડીને સુરત લાવ્યો હોવાની બાબુભાઇ વાઘેલાના પરિવારને જાણ થઈ હતી.

આ પણ વાંચોઃ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે

ત્યારે બાબુભાઈ વાઘેલા અને તેના મોટાભાઈ મનસુખભાઈ વાઘેલા અને બાબુભાઈનો દીકરો વિક્રમ ભાવનગરથી સુરત આવ્યા હતા અને પુણાગામ વિસ્તારમાં નીલગીરી ઝૂંપડપટ્ટીમાં ભાણો રહેતો હતો તે જગ્યા પર આ ત્રણેય લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ મામાએ ભાણાને દીકરી ક્યાં છે તેવું પૂછતા જ ભાણો પોતાના મામા મનસુખભાઈ, બાબુભાઈ અને મામાના દીકરા વિક્રમ પર હથોડા જેવા હથિયાર લઈને તૂટી પડ્યો હતો.

આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

આ ઘટનામાં વનરાજ પરમાર, શૈલેષ પરમાર અને મુકેશ પરમારે સગીર વયના ભાઈનો સાથ આપ્યો હતો અને તમામે સાથે મળીને હુમલો કરતા ઘટનામાં બાબુભાઈને ગંભીર ઇજા થઈ હતી અને તેના મોટાભાઈ મનસુખભાઈને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે સગીર વયના હત્યારા સહિત વનરાજ પરમાર, શૈલેષ પરમાર અને મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.