સુરતમાં મહિલા પોલીસકર્મીઓ માટે ખાસ આયોજન, નારીશક્તિ દર્શાવતું મૂવી બતાવ્યું
અમિત રુપાપરા, સુરતઃ લોકો માટે વર્ષમાં અનેક તહેવારો આવે છે. પરંતુ પોલીસ માટે વર્ષમાં બે જ તહેવાર આવે છે. એમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ અને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારે આ દિવસે એક દિવસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી તણાવમુક્ત રહે તે માટે સુરતના ઝોન 3ના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 3 હેઠળ આવતા અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 125 કર્મચારીઓને ડીસીપી દ્વારા નારી સશક્તિકરણ ઉપર રિલીઝ થયેલું મુવી બતાવવામાં આવ્યું હતું.
15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ માનવતાના અભિગમને ધ્યાનમાં લઈ સુરતના ઝોન 3 હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 3 હેઠળ આવતા કતારગામ, સિંગણપોર, મહીધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી કોન્સ્ટેબલ, એલઆર તેમજ શી ટીમના કર્મચારીઓને તણાવભરી લાઈફમાંથી મુક્તિ અપાવવા 15મી ઓગસ્ટના દિવસે મહિલાઓ ખુશીથી આ દિવસને ઉજવે તે હેતુથી મુવી બતાવવામાં આવ્યું હતું.
નારી સશક્તિકરણને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી આ મહિલા કર્મચારીઓને પ્રેરણા મળે તે હેતુથી નારી સશક્તિકરણ રિલીઝ થયેલી મુવી આજે બતાવવામાં આવી હતી. મહત્વની વાત છે કે, પોલીસ વિભાગમાં તમામ કર્મચારી 365 દિવસ પોતાની ફરજ નિભાવતા હોય છે અને અનેક એવા મુશ્કેલીના સમયમાં આ તમામ કર્મચારીઓને ફરજ બજાવી પડે છે. ત્યારે એક મહિલા કર્મચારી માટે પોલીસ વિભાગમાં ફરજ બજાવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે, એક તરફ પરિવારની જવાબદારી નિભાવવાની હોય જ છે અને તેની સાથે સાથે પોલીસ વિભાગમાં પણ અલગ અલગ કામગીરી આ મહિલાઓને કરવાની હોય છે. ત્યારે બંને જવાબદારી નિભાવતા આ મહિલા કર્મચારીઓનું જીવન તણાવભર્યું બની જાય છે અને આ મહિલા કર્મચારીઓના માનસિક પરિસ્થિતિનો વિચાર કરીને DCP પીનાકીન પરમાર દ્વારા આ મહિલા કર્મચારીઓને આજે 15મી ઓગસ્ટ નિમિત્તે મુવી બતાવવામાં આવ્યું હતું. એમાં 125 મહિલા કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
મહિલા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખૂબ સારૂં આયોજન પોલીસ અધિકારી તરફથી કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવવી એ મહિલા માટે મુશ્કેલ ગણાય છે. કારણ કે, મહિલાને એક તરફ પારિવારિક અને એક તરફ પોલીસ વિભાગમાં કામગીરી કરતા સમયે અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને માનસિક તણાવભરી લાઈફ જીવવી પડે છે. આ પ્રકારની લાઈફ વચ્ચે જ્યારે અમુક ખુશીની પળો માટે અધિકારી મહિલાઓ માટે આવો ઉમદા વિચાર કરીને મહિલાઓને ખુશી મળે તે પ્રકારે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોય તે માટે અધિકારીઓનો પણ આભાર માનવો જોઈએ.