November 24, 2024

રૂ.10 લાખની લાંચના કેસમાં ફરાર PSIની એક વર્ષ બાદ સુરત LCB એ ધરપકડ કરી

અમિત રૂપાપરા, સુરત: સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામે રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરવાના કેસમાં ફરાર PSI ની અંતે એક વર્ષ બાદ સુરત એસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસીબી એ અગાઉ આ કેસમાં PSIના બે વચેટીયાઓની ધરપકડ કરી હતી. જે બાદ આરોપી પીએસઆઇ ફરાર થઈ ગયો હતો. એસીબીની તપાસમાં પીએસઆઇ 54,000નો પગારદાર હોવાનું સામે આવ્યું છે.

સુરત એસીબીની પકડમાં આવેલા આરોપીનું નામ ડી.કે.ચોસલા છે. જે ઉતરાણ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવે છે. એસીબીના જણાવ્યા મુજબ વર્ષ 2023ના સપ્ટેમ્બર માસ દરમિયાન ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ વેળાએ પીએસઆઇ પાસે એક જાણવાજોગ તપાસની અરજી આવી હતી. જે અરજીના તપાસના કામે ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની લાંચની માંગણી પીએસઆઇ ડી. કે.ચોસલા એ કરી હતી. ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ના હોય સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે છટકાનું આયોજન કર્યું હતું. ઉત્રાણ પોલીસ મથક હદ વિસ્તારમાં લાંચ લેવા માટે આવેલા પીએસઆઇ વતી બે વચેટીયાઓને સુરત એસીબીએ ઝડપી પાડ્યા હતા. જેમાં પિયુષ રોય અને નિલેશ કસોટિયાની ધરપકડ થતાની સાથે પીએસઆઇ ડી.કે. ચોસલા પોલીસ પકડથી બચવા ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ઈ વ્હીકલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રૂપિયા 278 કરોડનું પ્લાનિંગ

રૂપિયા દસ લાખની લાંચ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર પીએસઆઇ ડી.કે. ચોસલાની ધરપકડ કરવા એસીબીની ટીમ દ્વારા અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ એસીબીને સફળતા મળી નહોતી. દરમિયાન સુરત આવતાની સાથે માહિતીના આધારે સુરત એસીબી દ્વારા આરોપી પીએસઆઇ ડી.કે. ચોસલાને ઝડપી પાડ્યો હતો. પીએસઆઇ ડી.કે. ચોસલા ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને રૂપિયા 54 હજારનો પગારદાર છે. સરકારનો પગાર લેતો હોવા છતાં પણ આ પીએસઆઇને વધુ રૂપિયા કમાવાની લાલસા જાગી હતી. જોકે વધુ રૂપિયાની લહાઈમાં આ PSI એ અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

સુરત એસીબી દ્વારા હાલ પીએસઆઇ ડી.કે. ચોસલાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પીએસઆઇના મિલકત સંબંધી તપાસ માટે પણ એસીબી દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે પીએસઆઇની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આવા લાંચિયા સરકારી બાબુઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ હાલ ઉઠવા પામી છે.