November 21, 2024

સુરતના મહિધરપુરામાંથી કિશોરીની ભગાડી ગયેલા વિધર્મીની તેલંગાણાથી ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા વિઘર્મીની પોલીસે તેલંગાણા ખાતેથી ધરપકડ કરી કિશોરીને મુક્ત કરાવી છે. સુરતમાં સામે આવેલા આ લવ જેહાદના કિસ્સામાં આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ ગયો હતો. જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડથી બચવા રહેઠાણના ઠેકાણાઓ બદલી રહ્યો હતો. જ્યાં હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મહીધરપુરા પોલીસની ટીમે તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે.

રાજ્યમાં સમયાંતરે લવ જેહાદ કિસ્સાઓ સામે આવે છે. આવા કિસ્સાઓમાં આરોપીઓને કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર પણ ગંભીર છે. જો કે, સુરતમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વિઘર્મી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસ મથકના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીનો સંપર્ક વિઘર્મી યુવક મોહમ્મદ નુરબાનુ બદરુદ્દીન સૈયદ જોડે થયો હતો. જે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. કિશોરીને વાતોને વિશ્વાસમાં લઈ આરોપી અપહરણ કરી ભગાડી ગયો હતો. જે બાદ પરિવારે મહિધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તેર વર્ષની સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. 14 ઓગસ્ટના રોજ પોલીસ ચોપડે નોંધાયેલા ગુના બાદ આરોપી પોલીસ પકડથી બચવા સગીરાને પોતાની જોડે લઈ અન્ય રાજ્યમાં ભાગી છૂટ્યો હતો. જ્યાં પોલીસથી બચવા આરોપી અલગ અલગ રાજ્યોમાં રહેઠાણ બદલી ભાગતો ફરતો ફરી રહ્યો હતો. પોલીસની ટીમ દ્વારા આરોપીના વતન બિહાર ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ આરોપી મળી આવ્યો નહોતો. આ દરમિયાન મહિધરપુરા પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સના આધારે માહિતી મળી હતી કે આરોપી અને સગીરા હૈદરાબાદના તેલંગાના ખાતે છુપાયા છે. જે માહિતીના આધારે મહિધરપુરા પોલીસની એક ટીમને હૈદરાબાદ રવાના કરવામાં આવી હતી.

આરોપીની ધરપકડ કરવા હૈદરાબાદ ગયેલી પોલીસ સતત વોચમાં હતી. જ્યાં આરોપી મોહમ્મદ નૂરબાનુ બદરુદ્દીન સૈયદને તેલંગાણા ખાતેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યારે આરોપીના ચુંગાલમાંથી સગીરાને પણ મુક્ત કરાવી હતી. મહીધરપુરા પોલીસ આરોપી અને સગીરાને હૈદરાબાદના તેલંગાણા ખાતેથી સુરત લઈ આવી હતી. જ્યાં સુરત સ્મીમેર હોસ્પિટલમાં સગીરાની મેડિકલ તપાસ માટેની હાલ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૂળ બિહારનો વતની છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં જરીકામ કરે છે. સગીરા અને આરોપી આજુબાજુમાં કામ કરતા હોવાથી એકબીજા ના સંપર્કમાં આવ્યા હતાં. જ્યાં સગીરાને ભગાડી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ પૉકસો એક્ટ અને બીએએનએએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ કેસમાં અલગ અલગ એન્ગલથી તપાસ પણ તપાસ કરી રહી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલા લવ જેહાદનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. આવા કિસ્સાઓમાં વિઘર્મી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ભૂતકાળમાં સામે આવેલા કિસ્સાઓમાં આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવેલા લવ જેહાદના આ કિસ્સામાં વિધર્મીની પૂછપરછમાં કોઈ ખુલાસા બહાર આવે છે કે કેમ તે બાબત જોવાની રહે છે.