ખેડૂતોએ ભેજ સૂકવવા ડાંગર પાથર્યું ને અચાનક વરસાદ આવ્યો, બધો પાક બરબાદ થતા લાચાર
કિરણસિંહ ગોહિલ, સુરતઃ ગઈકાલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર સૌથી વધુ જોવા મળી હતી.
હવામાન ખાતા દ્વારા 13, 14 અને 15 મે સુધી માવઠાની આગહી કરી હતી અને આગાહીના પગલે ખેડૂતોએ ખેતરમાં ઉભો તૈયાર પાક કાપી ભેજ દૂર કરવા ડાંગર પાથર્યું હતું અને અચાનક રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદે બધું બરબાદ કરી નાખ્યું. ખેડૂતોની આંખ સામે ડાંગર પલળી ગયું અને હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોએ રાતાપાણી રોવાનો વારો આવ્યો છે.
આમ તો સામાન્ય રીતે સુરત જિલ્લો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે. પરંતુ દર વરસે કુદરત વિલન બનીને આવે છે અને જગતના તાતને રડાવી જાય છે. ઓલપાડ તાલુકાના સ્યાદલા અને નઘોઈ ગામમાં જગતનો તાત માયુસ થઈ ગયો છે. કેમ કે, હવામાન ખાતાની આગહી બાદ ખેડૂતો ખેતરમાં ઉભો ડાંગરનો પાક કાપી લાવ્યા હતા. ડાંગરનો પાક લાવ્યા બાદ ભારે ગરમી અને ઉકળાટ હોવાથી ડાંગરમાંથી ભેજ ઉડાડવા ખેડૂતોએ ડાંગરનો પાક સૂકાવવા મૂક્યો હતો અને અચાનક વાવાઝોડા સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ત્રણ કલાક વીજળીના કડાકાભડાકા સાથે વરસેલા વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું.
ઓલપાડ તાલુકાના 108 ગામોમાં ડાંગર, શાકભાજી અને શેરડીની ખેતી કરવામાં આવી છે, પણ દર વર્ષે ઉનાળુ ડાંગર બનાવવામાં આવે છે. ડાંગરનું ઉત્પાદન પણ સારું થાય છે, પરંતુ કુદરતના પ્રકોપ વચ્ચે ખેડૂત લાચાર બની જાય છે. દર વર્ષે માવઠું ખેડૂતોની કમર તોડી નાંખે છે. આ વર્ષે પણ ગઈ કાલે રાત્રે માવઠાએ ભારે નુકસાન ઓલપાડ તાલુકામાં કર્યું છે. 70 ટકા ડાંગરનો તૈયાર ઉભો પાક ખેતરમાં છે અને 20 ટકા ડાંગરના પાકની કાપણી કરી છે, પણ માવઠાએ કાપણી કરી ડાંગર અને ઉભા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની આંખ સામે પલળી ગયેલા ડાંગરને જોઈ ખેડૂત લાચાર બની ગયો છે.