November 24, 2024

યુવકે લગ્ન કરવા દબાણ કરતી મહિલા પાછળ જાસૂસ લગાવ્યો, પોલીસે ધરપકડ કરી

અમિત રુપાપરા, સુરતઃ પાટણમાં રહેતા એક ઈસમે સુરતની મહિલાને લગ્નની લાલચ આપી, પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો. તેટલું જ નહીં, મહિલાએ લગ્ન માટે ન માનતા મહિલા પાછળ એક જાસૂસ લગાવ્યો હતો અને અંતે આ ઈસમથી કંટાળીને મહિલાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની જાસૂસી કરનાર રિક્ષાચાલકની ધરપકડ કરી છે. ત્યારબાદ મુખ્ય આરોપી તરુણ બારોટની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ તરુણ બારોટે તબિયત સારી ન હોવાનું પોલીસને જણાવતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

સુરતમાં રહેતી મહિલા 2 જૂને સમાજના સંમેલન માટે બરોડા ગઈ હતી અને બરોડામાં આ મહિલાની મુલાકાત તરુણ બારોટ નામના ઇસમ સાથે થઈ હતી. તરુણ બારોટે મહિલા સાથે પોલિટિશિયન મેકર તરીકેની ઓળખ આપી હતી. તરુણે મહિલાને ભાજપ અને કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોવાનું જણાવી, ખૂબ જ કેપેબલ વ્યક્તિ છે તેવું જણાવ્યું હતું. મહિલાને કોઈપણ મુશ્કેલી પડે તો તેનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તરુણે મહિલા પાસેથી તેનો મોબાઈલ નંબર લીધો હતો.

તરુણ બારોટે 2 જૂનના રોજ મહિલા સાથે મુલાકાત કર્યા બાદ 3 જુલાઈ 2024ના રોજ મહિલાને ફોન કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ મહિલાને તે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને કહેતો હતો કે તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. આટલું જ નહીં, તે મહિલાને 12-12 કલાક સુધી વીડિયો કોલ કરીને ઘરમાં જ ગોંધી રાખતો હતો. આ ઉપરાંત મહિલા અને જો તરુણનો ફોન ન ઉપાડે તો તે અન્ય સંબંધીઓના નંબર કોઈપણ જગ્યા પરથી મેળવી સંબંધીઓને ફોન કરીને મહિલાને ફોન આપવાનું કહેતો હતો.

મહિલા દ્વારા આ બાબતે પોલીસને રજૂઆત કરવા બાદ પણ તરુણ બારોટ સુધર્યો નહીં અને તેને મહિલાની પાછળ એક જાસૂસ લગાવી દીધો. આ જાસૂસ મહિલા જતી હતી તે તમામ જગ્યા પર મહિલાની પાછળ પાછળ જતો હતો અને ફોટા પાડીને તરુણને મોકલતો હતો. આટલું જ નહીં, તરુણ બારોટ એટલો માસ્ટરમાઈન્ડ હતો કે, પોલીસને પણ તે ખોટી માહિતી આપીને મહિલાના ઘરે મોકલી દેતો હતો.

15 ઓગસ્ટના રોજ આ તરુણ બારોટ નામના ઈસમ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, પોતે cid crime પોલીસ ઇન્સ્પેક્ટર આરકે રાઠોડ બોલે છે અને તેને પોલીસ સમક્ષ આ સિંગણપોરની મહિલાને વોન્ટેડ ગુનેગાર બતાવી હતી. તેથી પોલીસ આ મહિલાના ઘરે પહોંચી હતી. આ ઉપરાંત તપાસ કરવા માટે પુત્રના કારખાને પણ પહોંચી હતી. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તરુણ બારોટ સામે ખોટી ફરિયાદ આપવા બાબતે બે અને મહિલાને હેરાન પરેશાન કરવા બદલ એક આમ કુલ 3 ગુના દાખલ કર્યા છે.

આ ગુના દાખલ થયા બાદ મહિલાની જાસૂસી થઈ રહી હોવાનું તેને જાણવા મળતા મહિલા દ્વારા બાબતે સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ વાતને ગંભીરતાથી લઈ મહિલાના ઘરની બહાર વોચ ગોઠવી હતી અને રીક્ષામાં બેસેલો એક મહિલાના ફોટા પાડતો હોવાથી તેને દબોથી લીધો હતો.

જાસૂસની ધરપકડ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ઈસમ મયુર સોનવણે છે અને તે ડિંડોલી વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત અલથાણના એટલાન્ટા શોપિંગ સેન્ટરમાં કોન્ફિડેન્સિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા અજય રાય માટે કામ કરે છે અને દિવસના 1000 લેખે તેને મહિલાના પીછો કરવાના રૂપિયા આપતો હતો.

હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ડિટેક્ટિવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મહિલાના કહેવા અનુસાર, તરુણ બારોટ અને હિના પટેલ બંને પતિ-પત્ની પાટણના રહેવાસી છે. મહિલાઓને આ પ્રકારે ચક્કરમાં ફસાવી પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ પોલીસે તરુણ બારોટ નામના ઈસમ સામે કુલ ત્રણ ગુના દાખલ કર્યા છે અને મોડી રાત્રે આ તરુણ બારોટની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થતાંની સાથે તબિયત બરાબર ન હોવાનું કહેતા પોલીસે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો છે. મહત્વની વાત એ છે કે, આ તરુણ બારોટ એટલો હોશિયાર છે કે તેને પોલીસ ન પકડે અને મહિલા તેની સામે ફરિયાદ ન કરે એટલા માટે મૃત્યુ થયું હોવાના ખોટા ફોટા બનાવ્યા હતા અને શ્રદ્ધાંજલિના આ ફોટો તેને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યા હતા.