November 23, 2024

સુરત પોલીસે બનાવ્યું દેશનું પ્રથમ AI Chatbot, જાણો કેવી રીતે કરશે કામ

સુરત: સાયબર સેફ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ જોવા મળી છે. સુરત પોલીસે દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યું છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષા આપતો સુરત સાયબર મિત્ર છે. સાયબર ફ્રોડથી બચવા વિવિધ રીતે થતા સાયબર ક્રાઈમ વિષે જનજાગૃત્તિ સૌથી મહત્વની બનતા આ ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ચેટબોટનો વોટ્સએપ નંબર 93285 23417 છે જેના પર તમે HI મોકલવાથી મળશે સાઈબર ફ્રોડની દરેક માહિતી આપશે.

સાઈબર ક્રાઈમનો ભોગ
નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા અને સહાયરૂપ થવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ બનાવામાં આવ્યું છે. આ માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને 24*7 સાઈબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલા તેમજ ફરિયાદ નોંધણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

ત્રણ ભાષામાં ઉપલબ્ધ
સુરત સાયબર મિત્ર સ્પામ કોલ, સ્પામ મેઈલ કે લિંકને રિપોર્ટ કરવા, નાણાંકીય અને સોશિયલ મિડીયા સંબંધિત ફ્રોડની માહિતી અને ટીપ્સ મેળવવા, સોશિયલ મિડીયા ફ્રોડ સંબંધિત અરજી કરવા, સોશિયલ મિડીયા પ્લેટ્ફોર્મના ફરિયાદ પોર્ટલ પર રિપોર્ટ કરવા, સોશિયલ મિડીયા પ્રાઈવસી સેટિંગ્સની માહિતી મેળવવા, સાયબર સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકલ પોલીસ સ્ટેશનના ફોન નંબર અને ઈ-મેઈલની માહિતી મેળવવા માટે મદદરૂપ થશે. આ દરેક માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે.

ઓડિયો વિઝ્યુઅલ પુસ્તક
ઉલ્લેખનીય છે કે, આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઈમથી નાગરિકોને સુરક્ષિત રાખવા અને લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા વધારવા સાયબર સેફ સુરત પહેલ હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં અગાઉ સાયબર સંજીવની રથ અને સાયબર SAFE સુરતના ઓડિયો વિઝ્યુઅલ પુસ્તકનો પણ સમાવેશ થાય છે.